<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

દેશમાં એક બે નહીં એકસાથે 10 વંદે ભારત ટ્રેનની મળશે ભેટ :રવિવારે પીએમ મોદી આપશે લીલીઝંડી

15મીએ વડાપ્રધાન મોદી ઝારખંડના જમશેદપુરથી આ ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે.

નવી દિલ્હી :ભારતીય રેલવે આધુનિકતા તરફ ઝડપભેર આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં એક પછી એક નવી નવી વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે.આ આગેકૂચને જાળવી રાખતા આગામી 15મી સપ્ટેમ્બરના રોજ દેશના વિવિધ રાજ્યોને 10 જેટલી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે.

વડાપ્રધાન મોદી ઝારખંડના જમશેદપુરથી આ ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત છે કે જ્યારે એક સાથે 10 વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ અગાઉ PM મોદીએ મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી હતી.

વડાપ્રધાન મોદી 15મી સપ્ટેમ્બરે ઝારખંડના જમશેદપુર પહોંચશે. જ્યાંથી ટ્રેનોને લીલી ઝંડી બતાવવામાં આવશે. આ તમામ વંદે ભારત ટ્રેનો દેશભરના અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી દોડશે.

મળતી માહિતી પ્રમાણે આ ગિફ્ટ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ 10 વંદે ભારત ટ્રેન પૈકી મોટાભાગની ટ્રેનો બિહારમાંથી પસાર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનોની કુલ 54 જોડી દેશના અલગ-અલગ રૂટ પર ચાલી રહી છે, જે 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 280થી વધુ જિલ્લામાંથી પસાર થાય છે.

ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછી 3 વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઓડિશા થઈને ચલાવવામાં આવશે. ઓડિશામાંથી પસાર થતી નવી ટ્રેનોમાં રાઉરકેલા-હાવડા, ટાટા-બેરહામપુર અને દુર્ગ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ છે. ઓડિશામાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે 2024-25માં રૂપિયા 10,586 કરોડનું બજેટ બનાવ્યું છે.

(12:07 AM IST)