<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

વેપારીએ ભાડેથી રાખેલી કોમર્શિયલ મિલકત પર આરસીએમ ચૂકવવો પડશે

ટેક્‍સ ચોરી કરનારાઓ માટે સરકારનું વધુ એક પગલું

મુંબઇ,તા. ૧૨: મિલકત ભાડે આપ્‍યા બાદ ટેક્‍સ ભરવામાં આવતો નહીં હોવાનું સરકારને ધ્‍યાને આવતા હવેથી મિલકત ભાડે રાખનાર પાસેથી ૧૮ ટકા લેખે આરસીએમની વસૂલાત કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. તેના લીધે મિલકત ભાડે રાખનાર પર વધારાનો આર્થિક બોજ આવવાનો છે. તેમજ જીએસટીમાં તેઓને વધુ ક્રેડિટ જમા રહેવાની પણ શક્‍યતા રહેલી છે.

વેપારીઓ દ્વારા જીએસટી નંબર લેવા માટે ભાડા પર રાખેલી મિલકત માટેનો કરવામાં આવેલો ભાડા કરાર રજૂ કરતા હોય છે, પરંતુ તેના પર ચૂકવવામાં આવતા ભાડા પરનો ટેક્‍સ ભરપાઇ કરવામાં આવતો નહીં હોવાનું જીએસટી અધિકારીઓને ધ્‍યાને આવ્‍યું હતું. તે આધારે એક રિપોર્ટ તૈયાર કરીને

જીએસટી કાઉન્‍સિલમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. તેના આધારે જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં મિલકત ભાડે રાખનાર પાસેથી ૧૮ ટકા લેખે આરસીએમ વસૂલાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સીધી અસર ભાડે મિલકત રાખનાર વેપારી પર પડવાની છે, કારણ કે મોટાભાગના વેપારીઓ મિલકત ભાડે રાખ્‍યા બાદ તેના પર ટેક્‍સની ચુકવણી કરતા નથી. જયારે હવે ૧૮ ટકા લેખે આરસીએમ ભરવાની સ્‍થિતિ ઊભી થાય તો વેપારીની મૂડી જીએસટી પોર્ટલ પર ક્રેડિટ રૂપે જમા રહેવાની શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે. જોકે સરકારને તેના થકી ખાસ્‍સી એવી આવક પણ થવાની છે.

જીએસટી કાઉન્‍સિલ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને કારણે વેપારીઓની મુશ્‍કેલીમાં વધારો થવાનો છે. કારણ કે હાલમાં વેપારીઓની લાખો રૂપિયાની ક્રેડિટ ઈલેક્‍ટ્રોનિક લેઝરમાં જમા હોવા છતાં તેનો વપરાશ વેપારીઓ કરી શકતા નથી. જયારે ભાડાની મિલકત પર આરસીએમ ચુકવવાના નિર્ણયને લીધે વધારાની ક્રેડિટ જમા થવાની છે. જેથી વેપારીઓને મોટો આર્થિક બોજ આ નિર્ણયને લીધે આવવાનો છે.

આ ઉપરાંત વેપારીઓ દ્વારા રિટર્ન ભરતી વખતે ભાડાની મિલકત દર્શાવીને તેનો ખર્ચ બાદ લેતા હતા. તેના પર હવે ૧૮ ટકા આરસીએમ ચુકવવાના લીધે વેપારી પાસે જે રોકડરક્રમ બચતી હતી તે પણ હવે આરસીએમ થકી સરકારની તિજોરીમાં જમા થવાની છે. જયારે આરસીએમમાં તો સરકારે નિયમ જ બનાવ્‍યો છે કે, વેપારીના લેઝરમાં રકમ જમા હોવા છતાં તેની ચુકવણી રોકડમાં જ કરવી પડશે.

(9:40 AM IST)