<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

શું અબ્‍દુલ્લા પરિવાર પરત મેળવી શકશે પોતાનો ગઢ?

જમ્‍મુ-કાશ્‍મીર ચૂંટણીમાં બધાની નજર

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૧રઃ ર૦ર૪ની વિધાનસભા ચુંટણી નજીક આવતા જ, બધાની નજર કાશ્‍મીરના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારના વંશજ ઉપર અબ્‍દુલ્લા પર છે કેમકે તે પોતાના વારસાગત ગઢ ગંદરબલને ફરીથી હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બેઠક અબ્‍દુલ્લા પરિવાર માટે એવી જ છે જેવી ગાંધી પરિવાર માટે અમેઠી હતી.

ગંદરબલ કોઇ સામાન્‍ય મતદારક્ષેત્ર નથી, તે એક પારિવારીક વારસો છે, જે અબ્‍દુલ્લા પરિવારની પેઢીઓથી ચાલતો રહ્યો છે. શેખ અબ્‍દુલ્લાથી માંડીને તેમના પુત્ર ફારૂખ અબ્‍દુલ્લા સુધી આ મતદારક્ષેત્ર દાયકાઓથી પરિવારના રાજકીય ખેલનું મેદાન રહ્યું છે. પણ બધી મહાન કથાઓની જેમ આ કથામાં પણ ચડાવ-ઉતાર છે. આ મત વિસ્‍તારના ચુંટણી ઇતિહાસની શરૂઆત ૧૯૭૭માં થઇ હતી જયારે શેખ અબ્‍દુલ્લાએ આ બેઠક જીતી હતી. તેમના પુત્ર ફારૂખ અબ્‍દુલ્લાએ ૧૯૮૩, ૧૯૮૭ અને ૧૯૯૬માં સતત ત્રણ વાર અહીંથી ચુંટણી જીતીને તેને પોતાના પરિવારનો ગઢ બનાવ્‍યો હતો.

પણ ર૦૦ર માં પીડીપીના કાજી અફઝલની જીત પછી અબ્‍દુલ્લા પરિવારનો આ ગઢ નબળો પડયો. જો કે ઉંમર અબ્‍દુલ્લા એ યુવાઓની દ્રઢતા અને પરિવારના નામના વજન સાથે ર૦૦૮માં ફરીથી ગંદરબલ બેઠક જીતી એટલું જ નહીં, તેઓ જમ્‍મુ-કાશ્‍મીરના સૌથી નાની વયના મુખ્‍યમંત્રી પણ બન્‍યા.પણ આ વખતે ઉમર અબ્‍દુલ્લાને જોરદાર હરીફાઇનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના મુખ્‍ય હરીફ પીડીપીના બશીરમીર માહેર ખેલાડી છે. ઉમર માટે બીજો પડકાર અપક્ષ ઉમેદવાર ઇજફાક જબ્‍બારનો છે, જેમણે ર૦૧૪માં નેશનલ કોન્‍ફરન્‍સની ટીકીટ પર ગંદરબલ બેઠક જીતી હતી અને આ વખતે અપક્ષ લડી રહ્યા છે.ુશું અબ્‍દુલ્લા પરિવાર પોતાનો ગઢ પાછો મેળવી શકશે કે પછી આ પ્રસિધ્‍ધ મતદાર ક્ષેત્રમાં એક નવો રાજકીય ઇતિહાસ લખાશે તે હવે ગંદરબલના મતદારો નકકી કરશે.

(2:54 PM IST)