હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારના પ્રયાસો છતાં ડુંગળીના ભાવમાં ઘટાડો નહિ
પ્રતિ કિલોએ ૫૮-૬૦ રૂપિયાએ પહોચ્યો : આમ આદમીને રાહત નહિ

નવી દિલ્હી તા. ૧૨ : એક સપ્તાહ પહેલા સામાન્ય માણસની મુશ્કેલીને જોતા કેન્દ્ર સરકારે ઓછા ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં સામાન્ય લોકોને ૩૫ રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં બજારમાં ડુંગળીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. રાજધાની દિલ્હીમાં છેલ્લા ૧૦ દિવસમાં ૫ થી ૭ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જયારે અન્ય રાજયોમાં આ વધારો ૩ થી ૫ રૂપિયા પ્રતિ કિલોના દરે જોવા મળ્યો છે. ૩૧ ઓગસ્ટે ડુંગળીના ભાવ ૫૫ રૂપિયા પ્રતિ કિલો હતા. જે ૧૦ સપ્ટેમ્બર સુધી ૫૮-૬૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
ડુંગળીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે સાવન મહિનાને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ હવે ડુંગળીના ભાવમાં ફરી વધારો થયો છે. વરસાદના કારણે ટ્રકોની અવરજવરને અસર થઈ છે. ટ્રકો બજારોમાં સમયસર પહોંચી શકતી નથી. તેથી આગામી દિવસોમાં તેમની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.
જો કે, આગામી મહિનાઓમાં ડુંગળીની ઉપલબ્ધતા સારી રહેવાની ધારણા છે. કારણ કે આ વર્ષે ખરીફ વાવણી વિસ્તારમાં ૧૦૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર, ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ કિંમત ૪૯.૯૮ રૂપિયા પ્રતિ કિલો હતી જયારે તેની પ્રવર્તમાન કિંમત ૫૦ રૂપિયા પ્રતિ કિલો છે.
માહિતી અનુસાર, સરકાર પાસે હજુ પણ ૪.૭ લાખ ટન ડુંગળીનો સ્ટોક છે. સરકારી એજન્સીઓ નાફેડ અને એનસીસીએફ સસ્તી ડુંગળી વેચી રહી છે. આ એજન્સીઓ મોબાઈલ એપ દ્વારા ડુંગળી વેચી રહી છે. જો તે ભવિષ્યમાં આટલા ઓછા ભાવે ડુંગળી વેચવાનું ચાલુ રાખશે તો ડુંગળીના ભાવ નીચે આવી શકે છે. એજન્સીઓ પાસે હાલમાં ૪.૭ લાખ ટન ડુંગળીનો અનામત સ્ટોક છે.
કેન્દ્રીય ખાદ્ય વિતરણ અને ઉપભોક્તા બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સસ્તી ડુંગળી આપવા માટેની યોજનાની શરૂઆત કરતા કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં દિલ્હી-એનસીઆર અને મુંબઈના લોકોને સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. બીજા તબક્કામાં, તે રાજયની રાજધાનીઓમાં શરૂ કરવામાં આવશે. આ સપ્તાહથી બીજો તબક્કો શરૂ થયો છે. કોલકાતા, ગુવાહાટી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, અમદાવાદ, રાયપુર જેવા શહેરોને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે. જયારે ત્રીજા તબક્કામાં દેશભરમાં સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવશે. આ ત્રીજો તબક્કો સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી શરૂ થશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
