<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ઓગસ્ટ મહિનામાં મોંઘવારીમાં વધારો: રિટેલ ફુગાવો વધીને 3.65 ટકા પહોંચી ગયો

ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 5.66 ટકા પહોંચી; ફ્યુઅલ, વીજળીમાં મોંઘવારી વધી ઓગસ્ટમાં કપડાં, પગરખા પણ મોંઘા થયા

નવી દિલ્હી :ઓગસ્ટ મહિનામાં મોંઘવારીમાં વધારો થયો છે. ઓગસ્ટ 2024માં રિટેલ ફુગાવો  વધીને 3.65 ટકા પહોંચી ગયો છે.

ગયા મહિનાના જુલાઈ 2024માં છૂટક મોંઘવારી એટલે કે રિટેલ ફુગાવો 3.54 ટકા હતો, જે 59 મહિનાની નીચી સપાટીએ હતો. ઓગસ્ટ 2023માં મોંઘવારી વધી 6.8 ટકા પહોંચી ગઈ હતી. અલબત મોંઘવારીનો આ આંકડો RBIના 4 ટકાના કન્ફર્ટ લેવલથી નીચે જળવાયો છે. જુન 2024માં રિટેલ મોંઘવારી 5.08 ટકા પહોંચી ગયો છે.

ઓગસ્ટમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 5.66 ટકા પહોંચી ગઈ છે, જે જુલાઈના 5.42 ટકા કરતાં વધારે છે. ગ્રામીણ ફુગાવો પણ 4.1 ટકાથી વધીને 4.16 ટકા પહોંચી ગયો છે. ઓગસ્ટ મહિનામાં શહેરી ફુગાવો વધીને 3.12 ટકા થયો છે, જે જુલાઈ મહિનામાં 2.98 ટકા પર હતો.

ઓગસ્ટ મહિનામાં શાકભાજી મોંઘા થયા છે. શાકભાજીમાં મોંઘવારી 10.71 ટકા પહોંચી છે, જે જુલાઈ મહિનામાં 6.83 ટકા હતી.કઠોળમાં મોંઘવારીમાં ઘટાડો થયો છે અને તે માસિક ધોરણે 14.77 ટકાથી ઘટી 13.60 ટકા રહ્યો છે.

ફ્યુઅલ, વીજળીમાં મોંઘવારી વધી છે અને તે જુલાઈ મહિનામાં -5.48 ટકાથી ઘટી ઓગસ્ટમાં -5.31 ટકા પહોંચ્યો છે. હાઉસિંગ મોંઘવારી 2.68 ટકાથી ઘટી 2.66 ટકા પહોંચ્યો છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કપડાં, પગરખા પણ મોંઘા થયા છે

(8:42 PM IST)