<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

આ ગીર ધણખૂટની કિંમત છે ૮ લાખ રૂપિયા : બ્રિડિંગથી ૪૦ વાછરડી અને વાછરડાનો જન્‍મ થયો છે

ખૂંટની ઉંમર ૩ વર્ષ ૬ મહિના છે : નાની ઉંમર છતાં લાખોમાં થઇ માંગ

નવી દિલ્‍હી, તા.૧૪: ગુજરાતના લોકો પશુપાલન કરી સારી આવક મેળવી રહ્યા છે. ગાય અને ભેંસ રાખીને પશુપાલન કરે છે. તેમજ પશુપાલક પાસે સારી નસલના પશુઓ હોય છે. આ ઉપરાંત ગીર ગાયના દૂધની માંગ વધારે રહે છે. લોકો ગીર ગાય પાળી રહ્યા છે. શ્રેષ્ઠ ગીર ગાયના સંવર્ધન માટે સારી નસલનો ધણખૂટ હોવો જરૂરી છે. મોરબી જિલ્લાના લુણસર ગામના પશુપાલક પાસે ગીર સાંઢ છે. આ ગીરના ધણખૂટની કિંમત ૮ લાખ રૂપિયા છે.

મોરબી જિલ્લા વાંકાનેર તાલુકાના લુણસર ગામના પરમાર યુવરાજસિંહે ગ્રેજ્‍યુએટ સુધી અભ્‍યાસ કર્યો છે. અભ્‍યાસ બાદ પિતા સાથે ખેતી કરી રહ્યા છે. તેમજ સાથે પશુપાલનનો વ્‍યવસાય કરી રહ્યા છે. યુવાન પાસે ૧૫ જેટલા પશુ છે. યુવાનને લાલ રંગની ગીર ગાયનો ખૂબ જ શોખ છે. તેમજ કુંડી શીંગડા અને ભરાવદાર પશુઓનો શોખ છે.

યુવરાજભાઈ પરમાર પાસે એક ધણખૂટ છે અને એ મોરબી લાઈન બ્રિડનો છે અને લાલ રંગનો છે અને પોતે જ ઉછેર કરેલ છે. આ ખૂટ ૮ લાખમાં ખરીદી કરવા માટે ઉત્તર ગુજરાતથી પશુપાલકે માંગ કરી હતી. ખૂટની ઉંમર ૩ વર્ષ ૬ મહિના છે અને કુલ ૫ વાછરડી અને વાછરડા છે અને અન્‍ય વ્‍યક્‍તિ પાસે ૩૫ વાછરડી અને વાછરડા છે. હાલ સુધીમાં ૪૦ વાછરડી અને વાછરડાઓ ઉછેર થયો છે. જેમાંથી ૨૫ વાછરડી છે.

ગીર ગાયના પોતે શોખીન છે અને વર્ષોથી ગીર ગાય રાખી અને સારી નસલના પશુઓ ઉછેરી રહ્યા છે. ગીર ગાયમાંથી ઘી અને દૂધનું પણ વેચાણ કરે છે. સામાન્‍ય વેચાણ છે. આશરે ૩૦ હજાર રૂપિયાનું દૂધ અને ઘીનું વેચાણ કરવામાં આવે છે.

(11:31 AM IST)