<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

માનતા પુરી થતાં ૩૦ વર્ષના દીકરાને પિતાએ નોટોના બંડલથી જોખ્‍યો

દીકરાને ૧૦-૧૦ રૂપિયાની નોટના બંડલથી જોખ્‍યો : બાદમાં આ રકમ મંદિરમાં દાન કરી દીધી દીકરાનું વજન ૮૨ કિલો : જોખ્‍યા બાદ ૧૦ લાખ ૭ હજાર રૂપિયાની નોટનું વજન થયું

ઉજ્જૈન, તા.૧૪: મધ્‍યપ્રદેશના ઉજ્જૈનમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક પિતાએ પોતાના દીકરાને ૧૦-૧૦ રૂપિયાની નોટના બંડલથી જોખ્‍યો હતો. બાદમાં આ સમગ્ર રકમ મંદિરમાં દાન કરી દીધી હતી. જ્‍યારે લોકોને તેની પાછળનું કારણ જાણવા મળ્‍યું તો સૌ કોઈ ચોંકી ગયા હતા.

મધ્‍યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં તેજા દશમી પર્વ પર એક પિતાએ પોતાની માનતા પૂરી થતાં ૩૦ વર્ષના દીકરાને ૮૦ કિલો વજન બરાબર રૂપિયાથી જોખ્‍યો હતો. બાદમાં તેમણે મંદિર નિર્માણ માટે ૧૦ લાખ ૭ હજાર રૂપિયાનું દાન પણ કરી દીધું.

હકીકતમાં જોઈએ તો, તેજા દશમીના અવસર પર મંગલનાથ પથ વિસ્‍તારમાં રહેતા ચતુર્ભુજ ઝાટે પોતાના દીકરા વીરેન્‍દ્રને ૧૦-૧૦ રૂપિયાની નોટોના બંડલથી જોખ્‍યો હતો. તેમના દીકરાનો વજન ૮૨ કિલો હતો. દીકરાને જોખ્‍યા બાદ ૧૦ લાખ ૭ હજાર રૂપિયાની નોટનો વજન થયો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચતુર્ભુજ ઝાટે એક બાજુ પોતાના દીકરાને બેસાડ્‍યો અને બીજી તરફ નોટોના બંડલ રાખ્‍યા. જ્‍યારે નોટોના બંડલનો વજન દીકરા બરાબર થયો તો આ કુલ રકમ ૧૦ લાખ ૭ હજાર રૂપિયા થયા. જેને મંદિરમાં દાન કરી દીધી હતી.

ચતુર્ભુજ ઝાટે જણાવ્‍યું કે, ૪ વર્ષ પહેલા તેમણે માનતા માગી હતી કે જો તેમની માનતા પૂરી થશે તો તેઓ દીકરાના વજન બરાબરની રકમ તેજાજી મહારાજ મંદિરમાં દાન કરશે. તેમની માનતા પૂરી થઈ ચૂકી હતી અને એટલા માટે તેમણે દીકરાના વજન બરાબર ૧૦ લાખ ૭ હજાર રૂપિયાનું દાન કર્યું.

મંદિર પરિસરમાં નોટોનો ઢગલો લગાવ્‍યા બાદ ત્‍યાં હાજર ગામલોકો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સૌ કોઈ આ અનોખા દાનને જોઈ ચોંકી ગયા હતા. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. બડનગરમાં વીર તેજાજીની દશમી પર આ અનોખી માનતા પૂરી કરવામાં આવી હતી.

(11:34 AM IST)