News of Saturday, 14th September 2024
છત્તીસગઢ, ગુજરાત, બિહારમાં આજે ભારે વરસાદની આગાહી : યલો એલર્ટ
૧૭ સપ્ટેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો હળવો - મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ, તા.૧૪: હવામાન વિભાગની આગાહી અનુસાર છત્તીસગઢ, ગુજરાત અને બિહારમાં આજે વરસાદ પડી શકે છે. જેના કારણે આ રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે આજે વરસાદ દેશના પૂર્વ ભાગો સુધી મર્યાદિત છે અને અહીં મૂશળધાર વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ સિવાય દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી.
ગુજરાતમાં આજથી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મઘ્યમ વરસાદ થઇ શકે છે.
ચોમાસુ ધીમે ધીમે પાછું પડવાનું શરૂ થયું છે. પરંતુ દેશના ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોમાં તેનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી-NCRમાં આજે એટલે કે શનિવારે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. IMDએ કહ્યું કે દિલ્હીમાં દિવસ દરમિયાન હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ બપોરથી સાંજ સુધી વરસાદની કોઈ શકયતા નથી. ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, IMD એ યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીના મધ્ય અને દક્ષિણ ભાગોમાં દિવસભર હળવો વરસાદ ચાલુ રહ્યો. દિલ્હી માટે ‘યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું હતું.
IMDએ કહ્યું કે બંગાળની ખાડીના પૂર્વ ભાગમાં લો પ્રેશર બની રહ્યું છે. જેના કારણે બંગાળ અને ઓરિસ્સામાં મુશળધાર વરસાદ પડી શકે છે. IMD એ બંને રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તરના રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. IMD એ તમામ સાત રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે ઝારખંડમાં આજે એટલે કે શનિવારે મુશળધાર વરસાદની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ૧૫ સપ્ટેમ્બર સુધી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના ગંગા કિનારે ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તેના કારણે શુક્રવારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો છે. IMD એ શનિવારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ છત્તીસગઢમાં અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, સિક્કિમ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પૂર્વના તમામ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
