<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ડુંગળીના ભાવમાં પીછેહઠ : અનેક શહેરોમાં ભાવ ઘટયા : સરકારે સબસિડીથી વેચાણ કરતા બજારમાં થઇ અસર

સૌરાષ્ટ્ર પંથકમાં ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીનો 20 કિલો દીઠ મહત્તમ ભાવ રૂપિયા 43 આસપાસ રહ્યા

નવી દિલ્હી :દેશમાં ડુંગળીની કિંમતોમાં થઈ રહેલા વધારાને અટકાવવા માટે સરકાર સબસિડી કિંમત પર ડુંગળીનું વેચાણ શરુ કર્યું હતું. ગ્રાહક બાબતોના મંત્રાલયે  આ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના અનેક વિસ્તારો અને શહેરોમાં ડુંગળીની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ મહિને 5મી સપ્ટેમ્બર,2024ના રોજ સરકારે સબસિડી હેઠળ ડુંગળીનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની અસર કેટલાક દિવસ બાદ જોવા મળી રહી છે. સરકારે ડુંગળીની કિંમતોને ઓછી કરવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાદ દિલ્હીમાં ડુંગળીની કિંમત કીલો દીઠ રૂપિયા 60થી ઘટીને રૂપિયા 55 થઈ છે. દરમિયાન સૌરાષ્ટ્ર પંથકમાં ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીનો 20 કિલો દીઠ મહત્તમ ભાવ રૂપિયા 43 આસપાસ રહ્યા હતા.

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે રાજધાની દિલ્હી સિવાય દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મુંબઈમાં ડુંગળી 61 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 56 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ચેન્નાઈમાં પણ ડુંગળીની છૂટક કિંમત 65 રૂપિયાથી ઘટીને 58 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે સરકાર પાસે 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે. આ સંજોગોમાં સરકારને આશા છે કે આગામી મહિનાઓમાં ડુંગળીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

(9:12 PM IST)