News of Monday, 16th September 2024
સેન્ટ્રલ બેંકના પટાવાળાએ મેનેજર સાથે મળીને ૧૦ કરોડનું કૌભાંડ આચર્યુ
બે ફિકસ ડિપોઝીટ તોડીને નકલી દસ્તાવેજો દ્વારા રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી : પોલીસ પ્રશાસનની ટીમે છેતરપિંડી અને ઉચાપતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભોપાલ, તા.૧૬: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પટાવાળા સાથેનું આવું કૌભાંડ સામે આવ્યું છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. આ પટાવાળાએ બેંક મેનેજર સાથે મળીને ૧૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. એટલું જ નહીં, પટાવાળાએ ૫ કરોડ રૂપિયાની બે ફિકસ ડિપોઝિટ (FD) તોડીને આ રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી.
મામલો સામે આવતા જ બેંક મેનેજમેન્ટ અને પ્રશાસને તપાસ શરૂ કરી હતી. આ મામલો રાજ્ય બીજ પ્રમાણન એજન્સી સાથે સંબંધિત છે. અહીંના પટાવાળાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અને બેંક મેનેજરની મિલીભગતથી રૂ. ૧૦ કરોડની બે ફિકસ ડિપોઝીટ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. એટલું જ નહીં આ એફડીનું વ્યાજ પણ પટાવાળાના ખાતામાં જતું હતું. હવે પોલીસે છેતરપિંડી અને ઉચાપતના કેસમાં FIR નોંધી છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે ઈમામી ગેટ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પટાવાળા અને મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશન અનુસાર, રાજ્ય બીજ પ્રમાણન સંસ્થાના વડા સુખદેવ પ્રસાદ અહિરવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ સંસ્થાએ ઈમામી ગેટ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૫ કરોડ રૂપિયાની બે એફડી કરી હતી. પરંતુ તાજેતરમાં જ બંને એફડી તોડીને સમગ્ર રકમ સંસ્થાના પટાવાળા બ્રિજેન્દ્રદાસ નામદેવના એચડીએફસી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ એફડી પર મળેલી ૬૬ લાખની વ્યાજની રકમ પણ બ્રિજેન્દ્ર દાસના ખાતામાં ગઈ. બાદમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ કેસમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તત્કાલીન સેન્ટ્રલ બેંક મેનેજર નોએલ સિંહની મિલીભગત પણ સામે આવી રહી છે. નોએલ સિંહની બદલી બાદ તેઓ મુંબઈ ચાલ્યા ગયા છે. હવે પોલીસે પટાવાળા બ્રિજેન્દ્ર દાસ નામદેવ અને બેંક મેનેજર નોએલ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી છે
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
