<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

મથુરામાં માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : આગ્રા-દિલ્હી રૂટ ખોરવાયો: એક ડઝન ટ્રેનો રસ્તામાં રોકાઈ

આગરાથી દિલ્હી જઈ રહેલી કોલસાથી ભરેલી માલસામાન ટ્રેનના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેમાંથી 5 ડબ્બા પલટી ગયા ;ઘટના વૃંદાવન રેલવે સ્ટેશન અને અજાઈ વચ્ચે બની

મથુરા. આગરા-દિલ્હી ડાઉન રેલ્વે માર્ગ પર બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. આગરાથી દિલ્હી જઈ રહેલી કોલસા ભરેલી માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમાંથી પાંચ કોચ પલટી મારીને અપ રૂટ પર પડ્યા હતા. જેના કારણે બંને તરફનો રેલવે ટ્રેક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અપ અને ડાઉન રૂટ પરની એક ડઝનથી વધુ ટ્રેનોને વિવિધ સ્થળોએ રોકવામાં આવી છે. આ ઘટના વૃંદાવન રેલવે સ્ટેશન અને અજાઈ વચ્ચે બની હતી. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

  કોલસાથી ભરેલી માલસામાન ટ્રેન આગ્રાથી બુધવારે રાત્રે દિલ્હી રૂટ પર જઈ રહી હતી. સાંજે 7.54 કલાકે વૃંદાવન રેલવે સ્ટેશન અને અજાઈ વચ્ચે અચાનક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પાંચ કોચ સંપૂર્ણપણે પલટી ગયા છે.

  રેલવે પ્રશાસને દિલ્હીથી આગ્રા આવતી ઇન્ટરસિટી ટ્રેનને છટા ખાતે રોકી દીધી છે, જ્યારે મેવાડ એક્સપ્રેસને પણ છટા ખાતે રોકી દેવામાં આવી છે. તેલંગાણા એક્સપ્રેસને કોસીકલન રેલ્વે સ્ટેશન પર, યુપી સંપર્ક ક્રાંતિ, કેરળ એક્સપ્રેસ અને કર્ણાટક એક્સપ્રેસને પલવલ રેલ્વે સ્ટેશન પર રોકવામાં આવી હતી. હરિદ્વાર-બાંદ્રા એક્સપ્રેસ ફરીદાબાદ ખાતે રોકી દેવામાં આવી હતી. 

    આગરાથી દિલ્હી જતી સોગરિયા-નવી દિલ્હી એક્સપ્રેસને મુદેસી, કોટા-ઉધમપુર એક્સપ્રેસને જાજમપટ્ટી પર, નંદા દેવીને બયાના રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

  આરપીએફના ઈન્સ્પેક્ટર અવધેશ ગોસ્વામીએ કોઈપણ પ્રકારનું ષડયંત્ર હોવાનો ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે એન્જિન અને આગળનો ડબ્બો સુરક્ષિત છે, તેથી કોઈ પણ પ્રકારના ષડયંત્રની શક્યતા નથી. મોડી રાત્રે રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચવાનું શરૂ કર્યું હતું.

 

(12:35 AM IST)