તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 19th September 2024
જગન સરકારના કાર્યકાળમાં તિરૂપતિના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતી'તી
સીએમ નાયડુનો સનસનાટીભર્યો આરોપ : તિરુમાલા લાડુમાં વપરાતા ઘીમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી હતી : YSRCPએ આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે નાયડુ રાજકીય કારણોસર આ નિવેદન આપી રહ્યા છે

અમરાવતી, તા.૧૯: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડી પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. નાયડુએ આરોપ લગાવ્યો છે કે વાયએસઆરસીપી સરકારના કાર્યકાળ દરમિયાન તિરુમાલા લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતી હતી. જોકે YSRCPએ આ આરોપોને નકારી કાઢયા છે. તેમનું કહેવું છે કે નાયડુ રાજકીય કારણોસર પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે.
વાસ્તવમાં આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નાયડુએ તેમની સરકારના ૧૦૦ દિવસ પૂરા થવા પર એનડીએની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે ભગવાન વેંકટેશ્વરનો પ્રસાદ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જાણીને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું છે. મંદિર ટ્રસ્ટ દરરોજ લગભગ ૩ લાખ લાડુ બનાવે છે. આ પ્રસાદ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) અને ભગવાન વેંકટેશ્વરને આંધ્રપ્રદેશના લોકોની સૌથી મોટી ધરોહર ગણાવતા નાયડુએ કહ્યું કે NDA સરકાર મંદિરની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે તમામ શકય પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે તેઓએ (વાયએસઆરસીપી સરકારે) મફત ભોજન સેવાની ગુણવત્તા બગાડી છે અને ગૌણ ઘટકોનો ઉપયોગ કરીને ભગવાન વેંકટેશ્વરના લાડુને પણ બક્ષ્યા નથી. YSRCP સરકારના કાર્યકાળ દરમિયાન, TDP એ કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ના ‘નંદિની' બ્રાન્ડ ઘીની જગ્યાએ ખાનગી કોન્ટ્રાક્ટરને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
સપ્લાયર બદલ્યા બાદ લાડુની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો મળી હતી. ૨૯ ઓગસ્ટના રોજ, NDA સરકારે ફરી એકવાર KMF સાથે ઘી માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા. TTD લાડુ ‘પ્રસાદ' માટે દરરોજ લગભગ ૧૦,૦૦૦ કિલો ઘી વાપરે છે. વરિષ્ઠ YSRCP કાર્યકારી YV સુબ્બા રેડ્ડીએ, જેઓ TTD પ્રમુખ હતા, તેમના પક્ષનો બચાવ કર્યો અને કહ્યું કે નાયડુએ લાખો હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડીને પાપ કર્યું છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
