News of Thursday, 19th September 2024
PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, મહિલાઓ અને યુવાનોને આપશે મોટી ભેટ
વડાપ્રધાન પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં ભાગ લેશેઃપીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના પણ લોન્ચ કરશે

મહારાષ્ટ્ર, તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલ ૨૦મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં વડાપ્રધાન વિશ્વકર્મા યોજના હેઠળ પ્રગતિના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી અનેક વિકાસ અને સ્ટાર્ટ-અપ યોજનાઓ પણ લોન્ચ કરશે. તેઓ મહારાષ્ટ્રના અમરાવતીમાં મિત્ર પાર્કનો શિલાન્યાસ પણ કરશે.
વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે સાડા અગિયાર વાગ્યે મહારાષ્ટ્રના વર્ધા પહોંચશે. જ્યાં તેઓ પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન આપશે. તેઓ એક વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના પણ લોન્ચ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પ્રારંભ કરશે. આના દ્વારા ૧૫ થી ૪૫ વર્ષની વયના યુવાનોને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને રોજગારીની વિવિધ તકો મેળવી શકે. રાજ્યના લગભગ ૧,૫૦,૦૦૦ યુવાનોને દર વર્ષે મફત કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે. પીએમ મોદી પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના પણ લોન્ચ કરશે.
આ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં મદદ કરવામાં આવશે. આ યોજના હેઠળ ૨૫ લાખ રૃપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, કુલ જોગવાઈઓના ૨૫ ટકા પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આનાથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ મળશે.
તે જ સમયે, તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મહારાષ્ટ્રના અમરાવતીમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કરશે. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) લગભગ ૧૦૦૦ એકરમાં ફેલાયેલા આ પાર્કને વિકસાવી રહ્યું છે. ભારત સરકારે કાપડ ઉદ્યોગ માટે ૭ પીએમ મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી હતી.
પીએમ મિત્ર પાર્ક ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
આનાથી વિશ્વ સ્તરીય ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ મળશે, જે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) સહિત મોટા પાયે રોકાણ આકર્ષશે. ઉપરાંત, તે આ ક્ષેત્રમાં નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
