News of Sunday, 22nd September 2024
તિરુપતિ બાદ અંબાજીનો મુદ્દો ચગ્યોઃ દોઢ-દોઢ વર્ષ પછી પણ ભેળસેળયુક્ત પ્રસાદ અંગે હજુ રિપોર્ટ બાકી

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ તિરૂપતિ તિરૂમાલા મંદિરમાં પ્રસાદરૂપે અપાતાં લાડુમાં પશુની ચરબીની ભેળસેળ થતી હોવાનું બહાર આવતા વિવાદ થયો છે. આ અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ મોહનથાળમાં ભેળસેળનો મુદ્દો ચગ્યો હતો. પ્રસાદરુપે અપાતાં મોહનથાળમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, આ વાતને એક વર્ષ વીતવા આવ્યું છે, ત્યારે પ્રસાદમાં વપરાતાં અશુદ્ધ ઘીમાં શું હતું તે મામલે હજુ સુધી કોઇ રિપોર્ટ જાહેર કરાયો નથી. એટલું જ નહી, લાખો શ્રદ્ધાળુઓને ગુણવત્તા વિનાનો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો.
તિરૂપતિ મંદિરમાં લાડુના પ્રસાદમાં અશુદ્ધતાનો ખુલાસો થતાં દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે. જોકે, એક વર્ષ પહેલાં મંદિરમાં પણ હલકી ગુણવત્તાના ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જેની જાણ થતાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી હતી. એટલુ જ નહીં, અશુદ્ધ ઘીના 180 ડબ્બા જપ્ત કર્યા હતાં. તપાસમાં એવું બહાર આવ્યુ હતું કે, ઘીના ડબ્બા પર સાબર ડેરીના ડુપ્લિકેટ લેબલ લગાવાયા હતાં. તે વખતે મોહનથાળ બનાવતા મોહીની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો હતો. ઘીના સેમ્પ્લ એફએસએલથી માંડીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબમાં મોકલાયાં હતાં.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
