<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

નોઈડામાં અકસ્માત થતાં યુવતી બ્રિજ પરથી નીચે પટકાઈ ગઈઃ યુવતીએ મોતને માત આપી હતી

નવાઈની વાત એ છે કે આ દરમિયાન પણ યુવતી નીચે પડી ન હતી અને ઓવરબ્રિજના થાંભલા પર ફસાઈ ગઈ હતી

નવી દિલ્હી,તા.૨૨,

જિલ્લાના નોઈડા સેક્ટર ૨૫ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. સેક્ટર ૨૫ના ઓવરબ્રિજ પર જઈ રહેલી એક યુવતીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ યુવતી ઓવરબ્રિજની વચ્ચેના ગાબડામાં પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે આ દરમિયાન પણ યુવતી નીચે પડી ન હતી અને ઓવરબ્રિજના થાંભલા પર ફસાઈ ગઈ હતી. અકસ્માત બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે પહેલા અકસ્માતમાં યુવતીએ મોતને માત આપી હતી, ત્યારબાદ તે નીચે પડીને મૃત્યુ પામી શકી હોત, પરંતુ અહીં પણ તેનો જીવ બચી ગયો હતો.

નોઈડાના સેક્ટર ૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્ટર ૨૫ની સામે એલિવેટેડ રોડ પર એક કાર સવારે એક સ્કૂટરને જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પર સવાર યુવતી એલિવેટેડ રોડની વચ્ચેથી નીચે પડી ગઈ હતી. સદનસીબે યુવતી એલિવેટેડ રોડ પરથી નીચે ન પટકાતાં વચ્ચે પિલ્લર પર ફસાઈ ગઈ હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. યુવતીને બચાવવા માટે નજીકના લોકો થાંભલા પર ચઢી ગયા હતા અને તેને ત્યાંથી પડતા બચાવી હતી. જો યુવતી ત્યાંથી નીચે પડી હોત તો મોટી દુર્ઘટના બની શકત.

 

પોલીસને આ મામલાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ યુવતીને બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે ક્રેઈન બોલાવી યુવતીને બચાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને હાથ અને પગમાં સામાન્ય ઈજાઓ થઈ છે, જેના માટે તેને નોઈડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

(5:38 PM IST)