News of Monday, 23rd September 2024
હવે પંજાબના ભટિંડામાં ટ્રેન પલટી નાખવાનું ષડયંત્ર ! રેલવે ટ્રેક પરથી લોખંડના સળિયા મળ્યા : મોટી દુર્ઘટના ટળી
પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે : પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ કાવતરાના ભાગરૂપે જાણી જોઈને રેલ્વે ટ્રેક પર સળિયા મૂકયા કે પછી આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ છે

ભટિંડા, તા.૨૩: ગુજરાતમાં વડોદરા, ઉત્તરપ્રદેશના કાનપુર અને રામપુર બાદ હવે પંજાબના ભટિંડામાં મોટી રેલ દુર્ઘટના ટળી હતી. અહીં દિલ્હી-ભટિંડા રેલવે ટ્રેક પર લોખંડના સળિયા મળી આવ્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ કાવતરાના ભાગરૂપે જાણી જોઈને રેલ્વે ટ્રેક પર સળિયા મૂકયા કે પછી આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ છે. આ મામલે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ૩ વાગ્યે ભટિંડા-દિલ્હી રેલવે ટ્રેક પરથી એક માલગાડી પસાર થઈ રહી હતી. પરંતુ પાટા વચ્ચે મુકવામાં આવેલા લોખંડના સળિયાને કારણે ટ્રેનને કોઈ સિગ્નલ મળ્યું ન હતું. તપાસ કરતાં ટ્રેક પરથી ૯ લોખંડના સળિયા મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ટ્રેન થોડા કલાકો મોડી આગળ વધી શકી હતી. હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી રેલવે ટ્રેક પર કંઈક ને કંઈક શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક દિવસ પહેલા જ કાનપુરમાં ટ્રેનને ઉથલાવી દેવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. મહારાજપુરના પ્રેમપુર રેલ્વે સ્ટેશન પાસે પાટા પર એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. જો કે, લોકો પાયલટની બાતમીથી અકસ્માત ટળી ગયો, તેણે તરત જ ટ્રેન રોકી અને અધિકારીઓને તેની જાણ કરી. કાનપુરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ ત્રીજી ઘટના બની હતી.
કાનપુરમાં ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું અગાઉ ૮ સપ્ટેમ્બરે ઘડવામાં આવ્યું હતું, જ્યારે કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને રાત્રે ૮.૩૦ વાગ્યે ઉડાવી દેવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું. પ્રયાગરાજથી ભિવાની જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ રેલ્વે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજી ગેસથી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. આ પછી જોરદાર અવાજ પણ થયો. સ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને ગનપાઉડર સાથે માચીસની લાકડીઓ પણ મળી આવી હતી. આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.(
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
