<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

દિલ્હીની ખાલસા કોલેજમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ

મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો વિદ્યાર્થી સંઘની ચૂંટણી હોય ભારે તમારે મચાવી હોવાનું બહાર આવ્યું

નવી દિલ્હી : દિલ્હીની ખાલસા કૉલેજમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આચાર્યની ઓફિસ સામે બંને વચ્ચે મારામારી થઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. બંને જૂથો વચ્ચે મામલો એટલો વધી ગયો કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે આ મામલે FIR નોંધી છે.
ચૂંટણી પહેલા મારમારી થઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો દિલ્હીની ગુરુ તેગ બહાદુર ખાલસા કૉલેજનો છે. દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ની ચૂંટણીના માત્ર 4 દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક ઉમેદવારો પ્રિન્સિપાલ ઓફિસની સામે ઉભા છે. દરમિયાન, વિદ્યાર્થીઓનું એક જૂથ ત્યાં પ્રવેશ કરે છે અને વચ્ચે ઉભેલા વિદ્યાર્થીનો કોલર પકડીને તેને બહાર ખેંચી જાય છે. બધા તેને લાત અને મુક્કા મારવા લાગે છે. આ દરમિયાન પીડિત વિદ્યાર્થીની પાઘડી પડી ગઈ અને મામલો વધુ વણસી ગયો.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પીડિત વિદ્યાર્થીનું નામ પવિત્ર ગુજરાલ છે, જે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ગયો હતો. આ અંગે પવિત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પવિત્ર કહે છે કે આરોપીઓએ તેના વાળ ખેંચ્યા અને ટી-શર્ટ ફાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પવિત્રની પાઘડી પણ પડી ગઈ હતી. આ ઘટના 22 સપ્ટેમ્બરે બની હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કેસ નોંધ્યો છે. પવિત્રનો આરોપ છે કે આરોપીઓમાં માત્ર કૉલેજના લોકો જ નહીં પરંતુ બહારના કેટલાક લોકો પણ સામેલ હતા. તેમનો ઉદ્દેશ્ય પવિત્રને નામાંકન ભરવાથી રોકવાનો હતો.

ઉલ્લેખનીય છે કે ખાલસા કૉલેજના પ્રિન્સિપાલ ગુરમોહિન્દર સિંહે DUSUને પત્ર લખીને અલગ ચૂંટણીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમની કૉલેજમાં વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવશે. આ નિર્ણય દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC)ના નેતૃત્વ હેઠળ લેવામાં આવ્યો હતો. જોકે ઘણા વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. આ અંગે કૉલેજમાં ઘણા દિવસોથી વિરોધ ચાલી રહ્યો છે. ખાલસા કૉલેજમાં 27મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે.

 

(7:02 PM IST)