<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

આકરી ગરમીના કારણે આસામમાં ચાર દિવસ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ગરમીના કારણે લોકો પરેશાન

કામરૂપ, તા.૨૪: આ દિવસોમાં ઉત્તર પૂર્વ રાજ્‍ય આસામમાં કાળઝાળ ગરમીએ લોકોની મુશ્‍કેલીઓ વધારી દીધી છે. રાજ્‍યના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં અચાનક વધારો થતાં લોકોની મુશ્‍કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્‍યમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. દરમિયાન, આસામના કામરૂપ જિલ્લામાં વહીવટીતંત્રે શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્‍યો છે. સોમવારે જારી કરાયેલા આદેશ અનુસાર કામરૂપ જિલ્લામાં ૨૪ સપ્‍ટેમ્‍બરથી ૨૭ સપ્‍ટેમ્‍બર સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.

કામરૂપના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્‍યું છે કે, ભારે ગરમીના કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડવાની અને બેહોશ થવાની વિવિધ ઘટનાઓને પગલે કામરૂપ મેટ્રો હેઠળની તમામ શાળાઓ ૨૪ સપ્‍ટેમ્‍બરથી ૨૭ સપ્‍ટેમ્‍બર સુધી બંધ રાખવામાં આવી છે. આ આદેશ હેઠળ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.

કામરૂપ જિલ્લા વહીવટીતંત્રે સર્વ શિક્ષા અભિયાન (SSA) ના જિલ્લા મિશન સંયોજકને તાત્‍કાલિક અસરથી આદેશનો અમલ કરવા જણાવ્‍યું છે. વહીવટીતંત્ર આ પ્રયાસ દ્વારા ઓછામાં ઓછા શાળાના બાળકોને આકરી ગરમીથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંજોગોમાં શાળાઓમાં બાળકોના બેહોશ થવાની ઘટનાઓ સાંભળ્‍યા બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરપૂર્વમાં રેકોર્ડ બ્રેક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્‍ટેમ્‍બરના આ ઊંચા તાપમાને છેલ્લા ૫૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્‍યો છે

(10:38 AM IST)