<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

તિરુપતિ મંદિરમાં અધધધ ૧૬ ૦૦૦નો સ્‍ટાફઃ પુજારીને લાખોનો પગારઃ શાહી ઠાઠઃ વગ

વર્ષોથી ચાલે છે ચાર પૂજારી પરિવારોનું રાજ ફક્‍ત પૈસેટકે જ નહીં, પહોંચની દૃષ્ટિએ પણ ચાર વારસાગત પરિવારોના નામના સિક્કા પડે છેઃ જનતા પર પણ તેમનો ઘણો પ્રભાવ છે

તીરૂમાલા,તા. ૨૫: તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ વિશ્વના સૌથી ધનાઢ્‍ય મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં ૪ પૂજારી પરિવારો પેઢીઓથી શાસન કરે છે. મંદિરની સેવા એમને વારસામાં મળી છે. તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ તેમના નિયંત્રણ હેઠળ છે.

સદીઓથી તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન કરનાર ૪ પૂજારી પરિવારોના નામ છે - પૈડિપલ્લી, ગોલ્લાપલ્લી, પેડ્ડિન્‍તિ અને તિરુપતમ્‍મા. મંદિરમાં કુલ ૫૮ પૂજારીનો સ્‍ટાફ છે. એમાંના ૨૩ પૂજારી ઉપરોક્‍ત ૪ પૂજારી પરિવારોમાંથી આવે છે. પરંપરાને કારણે આ પરિવારોમાંથી પૂજારીઓની નિયુક્‍તિ કરવામાં આવે છે. વહેલી સવારથી સાંજ સુધી મંદિરમાં થતી તમામ ધાર્મિક વિધિ આ પરિવારના લોકો દ્વારા કરવામાં આવે છે. ૫૮ માંના ૩૫ પૂજારીઓ બિન-વારસાગત છે.

મંદિર આટલું ધનાઢ્‍ય હોય તો એના પૂજારીઓનો પગાર પણ તોતિંગ જ હોવાનો. મંદિરના મુખ્‍ય પૂજારી પેલા ચાર પરિવારમાંથી જ કોઈ બને છે. તેમને શ્નપ્રધાન અર્ચકઙ્ખકહેવામાં આવે છે. તેમનો માસિક પગાર ૮૨૦૦૦ રૂપિયાની આસપાસ હોય છે. પ્રધાન અર્ચક સિવાયના મુખ્‍ય પૂજારીઓ પણ વારસાગત પરંપરાથી જ નિયુક્‍ત થયેલા હોય છે. તેમને દર મહિને અંદાજિત ૫૨,૦૦૦ રૂપિયા પગાર મળે છે. બિન-વારસાગત પૂજારીઓને અનુભવના આધારે માસિક રૂપિયા ૩૦,૦૦૦ થી ૬૦,૦૦૦ સુધીનો પગાર આપવામાં આવે છે.

મંદિરની પોતાની અત્‍યંત આધુનિક હોસ્‍પિટલ છે, જેમાં દુનિયાભરની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. મંદિરના પૂજારીઓ અને એમના પરિવારને એ હોસ્‍પિટલની તમામ સુવિધાઓ નિઃશુલ્‍ક મળે છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ ટ્રસ્‍ટના તમામ કામ માટે કુલ મળીને ૧૬,૦૦૦ લોકોનો સ્‍ટાફ છે. આ તમામને સારો પગાર, સારી સુવિધા અને યથાયોગ્‍ય ભથ્‍થાં આપવામાં આવે છે.

૬૫ વર્ષની ઉંમરે પૂજારીઓ સેવાનિવૃત્ત થાય છે. એ પછી તેમને પેન્‍શન જેવા નિવૃત્તિના લાભ મળે છે. નિવૃત્તિની યોજના અહીં વર્ષ ૨૦૧૮ થી લાગુ કરવામાં આવી હતી. જોકે, વારસાગત પૂજારીઓ ફરજિયાત નિવૃત્તિની વિરુદ્ધમાં કોર્ટમાં ગયા અને દલીલ કરી હતી કે, ઈશ્વરની પૂજામાંથી વળી નિવૃત્તિ કેવી! શ્વાસ ચાલે ત્‍યાં સુધી અમને મંદિરમાં સેવા કરવાનો હક મળવો જોઈએ.

એમની લાગણીને માન આપીને રાજય સરકારે વારસાગત પૂજારીઓને આ યોજનામાંથી બાદ કરી દેવા પડ્‍યા હતા. જોકે, બિન-વારસાગત પૂજારીઓએ નક્કી કરેલી વયે નિવૃત્તિ લેવી જ પડે છે. આ મામલે હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો, મુદ્દો કોર્ટમાં પેન્‍ડિંગ છે.

દરેક વારસાગત પૂજારીને VIP દર્શન માટે બે VIP પાસ મળે છે, જેને આધારે તેઓ પોતાના પરિજનો કે પરિચિતોને મંદિરમાં ઝડપી દર્શન માટે લાવી શકે છે.

આમ તો મંદિરના તમામ પૂજારી પરિવાર ધનવાન ગણાય છે અને સૌ ઊંચો દરજ્જો ધરાવે છે, પણ એમાંય પેલા ચાર વારસાગત પરિવારોનો દબદબો સવિશેષ જોવા મળે છે. આ ચારે પરિવાર મંદિરના પ્રથમ પૂજારી ગોપીનાથચાર્યલુના વંશજ છે. આ પરિવાર તિરુમાલા મંદિર સાથે લગભગ ૨,૦૦૦ વર્ષથી જોડાયેલા છે. માટે તેમને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. મંદિરનું સંચાલન અને તમામ ધાર્મિક વિધિઓ પરંપરા મુજબ થાય, એ જોવાનું જવાબદારીભર્યું કામ આ ચાર પરિવારના પૂજારીઓ નિભાવે છે.

ફક્‍ત પૈસેટકે જ નહીં, પહોંચની દૃષ્ટિએ પણ ચાર વારસાગત પરિવારોના નામના સિક્કા પડે છે. જનતા પર પણ તેમનો ઘણો પ્રભાવ છે. તેઓ મુખ્‍યમંત્રી સુધી પહોંચ ધરાવે છે. સમગ્ર દેશના પ્રભાવશાળી લોકો માટેની ધાર્મિક વિધિઓ આ ચાર પરિવારના પૂજારીઓ જ કરે છે.

(11:08 AM IST)