News of Wednesday, 25th September 2024
એશિયામાં ‘સુપરપાવર' બન્યું ભારતઃ રશિયા - જાપાનને પાછળ છોડી દીધા
ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક લોવી દ્વારા જાહેર કરાયેલી એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત, અમેરિકા અને ચીન બાદ ત્રીજો સુપરપાવર દેશ બની ગયો છે

નવી દિલ્હી,તા. ૨૫: ભારતની તાકાત સમગ્ર વિશ્વ સ્વીકારે છે. આ વાતના પુરાવા તાજેતરમાં આવેલી એક રિપોર્ટમાં મળી આવ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક લોવી દ્વારા જાહેર કરાયેલી એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત, અમેરિકા અને ચીન બાદ ત્રીજો સુપરપાવર દેશ બની ગયો છે. આ રેન્કિંગમાં ભારતે રશિયા અને જાપાન જેવા દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર ૩૯.૧ છે, જયારે જાપાન ૩૮.૯દ્ગક્ર સ્કોર સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. ઉપરાંત આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાન ભારતથી ખૂબ પાછળ જોવા મળી રહ્યો છે.
લોવી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે, એશિયામાં શક્તિ સંતુલન હજુ પણ અમેરિકા અને ચીનના હાથમાં છે પરંતુ ભવિષ્યમાં ભારત આ સ્થિતિ બદલી શકે છે. બીજી તરફ, ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ સતત ચાલુ છે, પરંતુ તેની શક્તિ સ્થિર થઈ ગઈ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ચીનની શક્તિ ન વધી રહી છે કે ન ઘટી રહી છે. જયારે અમેરિકા તાકાત મામલે હજુ પણ આઠમાંથી છ ક્ષેત્રોમાં આગળ છે. ઉપરાંત ભારતની સ્થિતિમાં પણ મોટો સુધાર થયો છે.
આ રિપોર્ટમાં ૮૧.૭ના સ્કોર સાથે અમેરિકા પહેલા ક્રમે છે. જે પછી ૭૨.૭ સ્કોર સાથે ચીન બીજા ક્રમે, ભારત ૩૯.૧ સ્કોર સાથે ત્રીજા ક્રમે, ૩૮.૯ સ્કોર સાથે જાપાન ચોથા ક્રમે, પાંચમા ક્રમે ૩૧.૯ સ્કોર સાથે ઓસ્ટ્રેલિયા છે. આ યાદીમાં રશિયા ૩૧.૧ સ્કોર સાથે એક સ્થાન નીચે ગગડી છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. જયારે ૧૪.૬ સ્કોર સાથે પાકિસ્તાન આ યાદીમાં ૧૬મા સ્થાને છે.
એજન્સી મુજબ, ભારતની વધતી તાકાતનો મુખ્ય આધાર તેની વિશાળ જનસંખ્યા અને ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં ભારતની આર્થિક ક્ષમતામાં ૪.૨ પોઇન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંસાધનોના સંદર્ભમાં ભારતના સ્કોરમાં ૮.૨ પોઇન્ટનો વધારો થયો છે.
આ રિપોર્ટના પરિણામ સ્વરૂપે ભારતની શક્તિને વૈશ્વિક રાજકારણમાં એક નવી દિશા મળશે તેમજ ભારતનું કદ પણ વધશે. જેમ જેમ ભારત પોતાના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરશે અને પોતાની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારશે, તે એશિયામાં એક પ્રમુખ શક્તિના રૂપમાં ઉભરી આવશે. આ પરિવર્તન ન માત્ર ભારત માટે, પરંતુ સમગ્ર એશિયા માટે પણ મહત્ત્વપૂર્ણ હશે.
એશિયા પાવર ઇન્ડેક્સમાં સંસાધનો અને પ્રભાવ આમ કુલ બે કેટેગરીમાં આઠ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સંસાધનોમાં આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, રાજકીય સ્થિરતા, ભવિષ્યના સંસાધનો આમ કુલ ચાર મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે પ્રભાવ ક્ષેત્રે આર્થિક સંબંધો, ડિફેન્સ નેટવર્ક, રાજદ્વારી પ્રભાવ, કેન્દ્રીય પ્રભાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
