<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

યાત્રીગણ ધ્યાન દે! તહેવારોમાં વતન પરત જવા રેલવે આશરે 6 હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

આ વખતે 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવી, ઉપરાંત છઠ પૂજા અને દિવાળી માટે 12500 વધારાના કોચ પણ સ્વીકૃત કરવામાં આવ્યા

નવી દિલ્હી : તહેવારોની આ સિઝનમાં પોતાના વતનમાં પરત જવાની યોજના ધરાવતા યાત્રીઓ માટે રેલવેએ ખુશીના સમાચાર જાહેર કર્યાં છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તહેવારોની આ સિઝનમાં આશરે 6 હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.
રેલવે મંત્રીએ શું જાહેરાત કરી
•    રેલવે મંત્રીએ માહિતી આપી છે કે આ વખતે 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવી છે. આ ઉપરાંત છઠ પૂજા અને દિવાળી માટે 12500 વધારાના કોચ પણ સ્વીકૃત કરવામાં આવ્યા છે.
•    નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ 5,975 ટ્રેનોને મંજૂરી આપી દેવામાં આવી છે, જે એક કરોડ કરતાં વધારે યાત્રીઓને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરશે.
•    અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-24માં તહેવારો દરમિયાન કૂલ 4,429 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
•    રેલવેની આ પહેલથી તહેવારોમાં યાત્રીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને એવા લોકો કે જે લાંબા અંતરની યાત્રા કરે છે.
•    અત્રે ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબરના રોજ દુર્ગા પૂજા, 31મી ઓકટોબરના રોજ દિવાળી છે. જ્યારે છઠ પૂજા 7-8 નવેમ્બરના રોજ યોજાશે.
•    યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 24મી સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય રેલવે મંત્રીએ રાજસ્થાનમાં કવચ 4.0નું નિરીક્ષણ કર્યું છે. આ નવી ટેકનિક રેલવે દુર્ઘટનાની સંભાવનાને ઘટાડવા માટે વિકસિત કરવામાં આવી છે.
•    રેલવે મંત્રાલયની યોજના છે કે ટૂંક સમયમાં 10 હજાર રેલવે એન્જીનને કવચ 4.0 થી સજ્જ કરવામાં આવશે.

 

(7:47 PM IST)