<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

મુંબઇને ફરી ધણધણાવવાનું ષડયંત્ર : સમગ્ર શહેરમાં ચુસ્‍ત બંદોબસ્‍ત

નવરાત્રી - દિવાળી - ચૂંટણીને જોતા આતંકવાદી હુમલો કરી શકે છે એવી બાતમી બાદ સમગ્ર શહેરમાં એલર્ટ : મુંબઇની મહત્‍વની બજારો : ધાર્મિક સ્‍થળો - ઇમારતો - બસ - રેલ્‍વે સ્‍ટેશન સહિતના સ્‍થળે બંદોબસ્‍ત : ‘મોક ડ્રિલ'ના પણ આદેશો

મુંબઇ, તા.૨૮: ગુપ્તચર એજન્‍સીએ એવા ઈનપુટ આપ્‍યા છે કે આતંકવાદીઓ ફરી એકવાર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા છે. આતંકવાદી ખતરાના એલર્ટને ધ્‍યાનમાં રાખીને સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન કરી દેવામાં આવી છે. સંભવિત આતંકવાદી હુમલાના ખતરા અંગેના ઇનપુટ્‍સ સુરક્ષા એજન્‍સીઓ સાથે શેર કરવામાં આવ્‍યા છે. જે બાદ મુંબઈમાં પોલીસની કડકાઈ વધી ગઈ છે. વિવિધ સ્‍થળોએ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્‍યા છે અને દરેક ખૂણે ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર સુરક્ષા એજન્‍સીના એલર્ટ બાદ મુંબઈમાં અનેક ધાર્મિક સ્‍થળો અને અન્‍ય ભીડવાળા સ્‍થળોએ કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પોલીસને ગીચ સ્‍થળો અને ધાર્મિક સ્‍થળોએ ‘મોક ડ્રીલ' કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ ડીસીપીને પણ પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્‍યવસ્‍થા પર વિશેષ ધ્‍યાન આપવા જણાવાયું છે.

એક અધિકારીએ જણાવ્‍યું કે શુક્રવારે પોલીસે ક્રાફર્ડ માર્કેટ વિસ્‍તારમાં મોકડ્રીલ કરી હતી. આ એ વિસ્‍તાર છે જ્‍યાં ભારે ભીડ હોય છે. અહીં બે મુખ્‍ય ધાર્મિક સ્‍થળો પણ છે. સુરક્ષા કવાયત અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને આ કવાયત હતી.

પરંતુ આ બધું અચાનક કેમ કરવામાં આવી રહ્યું છે તે અંગે તેણે કંઈ જણાવ્‍યું ન હતું. પોલીસનું કહેવું છે કે આગામી તહેવારો અને ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટ અને અન્‍ય સ્‍થળોએ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે શહેરના તમામ મંદિરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અને સાવચેતીના પગલા તરીકે કોઈપણ શંકાસ્‍પદ પ્રવળત્તિની જાણ કરવા કહેવામાં આવ્‍યું છે. તમને જણાવી દઈએ કે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી આવવાની છે. દરેક જગ્‍યાએ દુર્ગા પૂજા ઉજવાશે. આ પછી કરવા ચોથ અને પછી દિવાળી આવશે. આવી સ્‍થિતિમાં બજારોમાં પણ ઘણી ભીડ જોવા મળશે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તહેવારોની સિઝનમાં દરેક વ્‍યક્‍તિ વ્‍યસ્‍ત હોય ત્‍યારે આતંકવાદીઓ આવી તકો શોધે છે. આથી પોલીસ અત્‍યારથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

સિકયૉરિટી એજન્‍સીઓએ મુંબઈમાં ધાર્મિક સ્‍થળો પર આતંકવાદી હુમલો થઈ શકે છે એવી અલર્ટ મોકલાવ્‍યા બાદ ગઈ કાલે સવારથી જ મુંબઈમાં મંદિરો અને જૈનોનાં દેરાસરોની બહાર પોલીસ-બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. દરેક ડેપ્‍યુટી કમિશનર ઑફ પોલીસને તેમના ઝોનમાં આવતાં ધાર્મિક સ્‍થળોને પ્રોટેક્‍શન પૂરું પાડવાનું કહેવામાં આવ્‍યું હતું.

મોટા ભાગનાં મંદિરોમાં ગઈ કાલે સવારથી જ પોલીસના અધિકારીઓ પહોંચી ગયા હતા. જે જગ્‍યાએ સિકયૉરિટી નહોતી આપી ત્‍યાં મંદિરના સંચાલકોને ધ્‍યાન રાખવાનું કહેવામાં આવ્‍યું હતું. કાંદિવલીની એક હવેલીના ટ્રસ્‍ટીએ કહ્યું હતું કે ‘પોલીસે અમારે ત્‍યાં આવીને અમુક ઇન્‍સ્‍ટ્રક્‍શન આપી હતી. તેમણે અમને મંદિરનો પૉકેટ-ગેટ જ ખુલ્લો રાખવાની સાથે આવતા-જતા લોકો પર ધ્‍યાન આપવાની તેમ જ બહારની ગાડીને અંદર નહીં આવવા દેવાની સૂચના આપી હતી.'

જે મંદિરોની બહાર પોલીસે ક્‍લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પહેલેથી ગોઠવ્‍યા છે ત્‍યાંની ગતિવિધિઓ પર તેમણે પોલીસ-સ્‍ટેશનમાંથી જ મૉનિ?ટરિંગ કર્યું હતું. બોરીવલીમાં તો એકદેરાસરમાં ગઈ કાલે સવારે વ્‍યાખ્‍યાન ચાલી રહ્યું હતું ત્‍યારે પોલીસે એન્‍ટ્રી મારી હતી અને બંદોબસ્‍ત ગોઠવી દેતાં થોડી વાર માટે ભાવિકો પણ આ શું થઈ રહ્યું છે એને લઈને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. માટુંગા (સેન્‍ટ્રલ)માં તો ગઈ કાલે સવારથી જ મંદિરો બંધ કરાવી દેવામાં આવ્‍યાં હતાં. એવું પણ કહેવાય છે કે સિકયૉરિટી એજન્‍સીને એક ઈ-મેઇલ મળી હતી જેમાં મુંબઈમાં ધાર્મિક સ્‍થાનો પર હુમલો કરવામાં આવશે એવું લખવામાં આવ્‍યું હતું.

ઘાટકોપરમાં તો નાનાં મંદિરોની બહાર પણ પોલીસે બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. જોકે ગઈ કાલે સાંજ બાદ શહેરનાં જાણીતાં સિદ્ધિવિનાયક મંદિર, સ્‍વામીનારાયણ મંદિર, મુંબાદેવી મંદિરને બાદ કરતાં મોટા ભાગનાં મંદિરો અને દેરાસરોમાંથી સિકયૉરિટી પાછી ખેંચી લેવામાં આવી હતી.

એક સિનિયર પોલીસ અધિકારીએ આ બાબતે ‘કહ્યુ હતું કે ‘ધમકીભરી ઈ-મેઇલ મોકલનારને નવી મુંબઈથી પકડી લેવામાં આવ્‍યો હોવાથી સિકયૉરિટી પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે અમે તમામ ધર્મસ્‍થાનોને અલર્ટ પર રહેવા કહ્યું છે અને તેમને ત્‍યાં આવતી વ્‍યક્‍તિ અને ગાડીઓ પર નજર રાખવાનો પણ આદેશ આપ્‍યો છે. તહેવારોનો સમય હોવાથી અત્‍યારે અમે કોઈ ચાન્‍સ લેવા નથી માગતા.

(10:52 AM IST)