<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

મુંબઇમાં સીઝનનો ૧૨૩ ઇંચઃ ૩ વર્ષમાં સૌથી વધુ

આ વર્ષે મુંબઈમાં ૩૦૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જયારે કે ગયા વર્ષે ૨૯૭૮.૩ અને ૨૦૨૨માં ૨૬૫૮.૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો

મુંબઇ,તા. ૩૦: મુંબઈમાં મોન્‍સૂનની આ વર્ષની જૂનથી સપ્‍ટેમ્‍બર સુધીની સીઝનમાં જે વરસાદ પડ્‍યો એ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ પડ્‍યો હોવાનું નોંધાયું છે. આ વર્ષે મુંબઈમાં ૩૦૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જયારે કે ગયા વર્ષે ૨૯૭૮.૩ અને ૨૦૨૨માં ૨૬૫૮.૩  મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એમાં વળી આ વર્ષે જૂન અને ઓગસ્‍ટ મહિનામાં એવરેજ કરતાં ઓછો વરસાદ પડ્‍યો હતો. જૂન મહિનામાં સરેરાશ ૫૩૭.૧ મિલીમીટર વરસાદ પડતો હોય છે એ સામે આ વર્ષે ૩૪૭ મિલીમીટર વરસાદ પડ્‍યો હતો. જયારે ઓગસ્‍ટમાં આ વર્ષે ૩૮૨.૪ મિલીમીટર વરસાદ પડ્‍યો હતો જયારે કે ઓગસ્‍ટમાં સરેરાશ ૫૬૬.૪ મિલીમીટર વરસાદ પડતો હોય છે.

આ વર્ષે જુલાઈમાં વરસાદ મન મૂકીને વરસ્‍યો હતો. સરેરાશ જુલાઈ મહિનામાં મોન્‍સૂન પીક પર હોય છે અને એવરેજ ૮૫૫.૭ મિલીમીટર વરસાદ પડતો હોય છે, જયારે આ વર્ષે જુલાઈ મહિનામાં ૧૭૦૨.૩ મિલીમીટર વરસાદ પડ્‍યો હતો. આ વર્ષે સારો વરસાદ પડતાં મુંબઈગરાના માથેથી પાણીકાપનું સંકટ ટળી ગયું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં ૨૮ સપ્‍ટેમ્‍બરે ૯૯.૪ ટકા પાણીનો સ્‍ટોક જમા થઈ ગયો હતો.

(9:38 AM IST)