<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st October 2024

લેબેનોનમાં તબાહીનું તાંડવ : હુમલામાં ૧૦૫ના મોત

બૈરૂતના અંદરના ભાગોમાં હુમલા કરતું ઇઝરાયલ : પાટનગરમાં ધુમાડાના ગોટેગોટા : બિલ્‍ડીંગો ફુંકી મારી : હિઝબુલ્લાહ હવે છેલ્લા શ્વાસ લ્‍યે છે : કમાન્‍ડરોના ટપોટપ મોત : જામા ઇસ્‍લામિયા સંગઠનના ચાર લોકો હુમલામાં માર્યા ગયા

બૈરૂત તા. ૩૦ : હિઝબુલ્લાહ વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરનાર ઈઝરાયેલે સોમવારે સવારે લેબનોનની રાજધાની બેરુતમાં પહેલીવાર આતંક મચાવ્‍યો હતો. અહીં ઇઝરાયેલની સેના IDFએ શહેરની ઇમારતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોતના અહેવાલ છે. પેલેસ્‍ટિનિયન આતંકવાદી જૂથ PFLP કહે છે કે હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતા. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્‍ચે વધી રહેલા સંઘર્ષમાં આ પ્રથમ વખત છે જયારે ઇઝરાયલે લેબનીઝ રાજધાની બેરૂતમાં ઘૂસીને રહેણાંક વિસ્‍તારમાં હુમલો કર્યો છે.

હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ પણ લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી. રવિવારે પણ ઇઝરાયેલે સમગ્ર લેબનોનમાં જોરદાર બોમ્‍બમારો કર્યો હતો. જેમાં ૧૦૫ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. લેબનોનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર હવાઈ હુમલામાં ૩૫૯ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મૃત્‍યુ, ૪૮, આઈન અલ-ડેલ્‍બ અને ટાયર વિસ્‍તારોમાં થયા છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્‍પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં ૩૩ લોકો માર્યા ગયા અને ૯૭ લોકો ઘાયલ થયા. ઇઝરાયેલે લેબનોનના કોલા વિસ્‍તારમાં પહેલીવાર જોરદાર બોમ્‍બમારો કર્યો. લેબનીઝ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, ઈઝરાયેલ

ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલો બેરૂતના કોલા જિલ્લામાં એક એપાર્ટમેન્‍ટના ઉપરના માળે કરવામાં આવ્‍યો હતો. ન્‍યૂઝ એજન્‍સી રોઈટર્સ અનુસાર, પેલેસ્‍ટિનિયન આતંકવાદી જૂથ પોપ્‍યુલર ફ્રન્‍ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્‍ટાઈનએ કહ્યું કે કોલા જિલ્લામાં ઈઝરાયેલના હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા. અગાઉ એવા અહેવાલો પણ આવ્‍યા હતા જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે આ હુમલામાં અન્‍ય આતંકવાદી સંગઠન અલ-જમા અલ-ઈસ્‍લામીયા (ઈસ્‍લામિક જૂથ)ના નેતૃત્‍વને નિશાન બનાવવામાં આવ્‍યું હતું, જોકે સંગઠને આ વાતને નકારી કાઢી છે. રવિવારે ઈઝરાયેલના હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા છેલ્લા ઘણા દિવસોથી લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, લેબનોનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે કહ્યું કે રવિવારે થયેલા હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૩૫૯ લોકો ઘાયલ થયા છે. રવિવારે, ઇઝરાયેલે યુદ્ધનો બીજો મોરચો ખોલ્‍યો અને યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવ્‍યા.

રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની સેના રવિવારે રાત્રે બેરૂતના રહેણાંક વિસ્‍તારો પર હુમલો કરી રહી છે. ઈઝરાયેલના અખબાર હેયોમે ઈઝરાયેલની સેનાને ટાંકીને કહ્યું કે બેરૂતમાં બેકા વિસ્‍તારમાં હુમલા થયા છે. IDFનું કહેવું છે કે તેના યુદ્ધ વિમાનોએ છેલ્લા બે કલાકમાં બેકા ખીણ પ્રદેશમાં હિઝબુલ્લાના ડઝનબંધ સ્‍થાનો પર હુમલો કર્યો છે. સેનાએ એમ પણ કહ્યું કે જે સ્‍થળોએ હુમલો કરવામાં આવ્‍યો તેમાં રોકેટ લોન્‍ચર અને ઈમારતોનો સમાવેશ થાય છે જયાં હિઝબુલ્લાહ શષાોનો સંગ્રહ કરે છે.

રવિવારના હુમલામાં ઇઝરાયેલે હિઝબુલ્લાહના અન્‍ય ટોચના કમાન્‍ડર નાબિલ કૌકને પણ માર્યો હતો. હિઝબુલ્લાએ પણ નેવિલ કૌકના મૃત્‍યુની પુષ્ટિ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહનો આ સાતમો ટોચનો કમાન્‍ડર છે. આ પહેલા શુક્રવારે ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને અન્‍ય ટોચના નેતા અલી કારકી માર્યા ગયા હતા.

આ સાથે જ હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે. હિઝબુલ્લાહના હુમલામાં ઇઝરાયેલમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને નોંધપાત્ર નુકસાન થયું છે. જો કે, મોટાભાગના રોકેટ અને મિસાઇલોને ઇઝરાયેલ દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્‍યા હતા. લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં અત્‍યાર સુધીમાં ૧,૦૩૦ લોકોના મોત થયા છે, જેમાં ૧૫૬ મહિલાઓ અને ૮૭ બાળકોનો સમાવેશ થાય છે. લાખો લોકોને વિસ્‍થાપિત થવું પડ્‍યું છે. આશરે ૨.૫ લાખ લોકો શરણાર્થી શિબિરોમાં રહે છે અને ચાર ગણા વધુ લોકો તેમના ઘર છોડીને તેમના સંબંધીઓના ઘરે રોકાયા છે.

(8:29 AM IST)