તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
કમ સે કમ ભગવાનને તો રાજકારણથી દુર રાખો
તિરૂપતિ લાડુ વિવાદ પર સુપ્રિમ કોર્ટની આકરી ટિપ્પણી : લાડુ વિવાદ મામલે સુપ્રિમ કોર્ટમાં થઇ સુનાવણી : જે લોકો બંધારણીય પદો પર બેઠા છે તેમની પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ રાજકારણથી ભગવાનને દુર રાખે : SITની તપાસના આદેશ આપ્યા તો પ્રેસ પાસે જવાની શું જરૂર હતી : આંધ્ર સરકારનો કાન પકડતી કોર્ટ

નવી દિલ્હી, તા.૩૦: તિરુમાલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પ્રસાદમાં ભેળસેળ ખૂબ જ ચિંતાજનક છે. તપાસ ચાલી રહી છે તો આંધ્રપ્રદેશના સીએમએ કેમ આપ્યું નિવેદન? આ ભક્તોની આસ્થાનો પ્રશ્ન છે. કોર્ટે આજે સવારે કહ્યું હતું કે મંદિરમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુ બનાવવામાં પશુ ચરબીના ઉપયોગના આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી અરજીઓ પર સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારના વકીલને કહ્યું કે લેબ રિપોર્ટ દર્શાવે છે કે જે ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે ઘી નકારવામાં આવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને પૂછયું કે SIT તપાસનો આદેશ આપ્યા બાદ પ્રેસમાં જવાની શું જરૂર હતી. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને પૂછયું કે જ્યાં સુધી SIT તપાસના પરિણામ ન આવે ત્યાં સુધી પ્રેસમાં જવાની શું જરૂર હતી? ઓછામાં ઓછું ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ.જ્યારે સુનાવણી બપોરે ૧ વાગ્યે નક્કી કરવામાં આવી હતી, ત્યારે જસ્ટિસ ગવઈએ મજાકમાં કહ્યું, ‘આશા છે કે આપણે લંચમાં લાડુ ખાવા નહીં પડે.'
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ લાડુમાં ગાયની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે રાજ્યની અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકારને જવાબદાર ગણવામાં આવી હતી. આ પછી સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુમાં બીફ ટોલો, ફિશ ઓઈલ અને પિગ લાર્ડ હોવાનો આરોપ છે. આ આરોપોને કારણે રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો. મુખ્યમંત્રી નાયડુએ લેબ રિપોર્ટને ટાંકીને આ માહિતી આપી હતી. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ મામલાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધાર્મિક માન્યતાઓને રાજકારણનો ભાગ ન બનાવવો જોઈએ. કોર્ટે પૂછયું કે, મુખ્યમંત્રીએ આ અહેવાલ પ્રેસમાં કેમ જાહેર કરવો પડ્યો? કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ધાર્મિક અને રાજકીય મુદ્દાઓને એકબીજાથી અલગ રાખવા જોઈએ. કોર્ટે કહ્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કોર્ટે કહ્યું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા આવા મામલાઓને સંવેદનશીલતાથી હાથ ધરવા જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ લાડુ વિવાદ પર આગામી સુનાવણી ૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ થશે. કોર્ટે આ મામલે સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે તિરુપતિ લાડુમાં ખરેખર કોઈ ભેળસેળ કરવામાં આવી હતી કે પછી તે માત્ર રાજકીય કાવતરું હતું. કોર્ટે ચેતવણી આપી હતી કે આવા મામલામાં ધાર્મિક માન્યતાઓનો દુરુપયોગ ન થવો જોઈએ.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
