<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ભારત મહત્વના રિફાઇનિંગ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે : દૈનિક ૫૦ લાખ બેરલની ક્ષમતા

ભારતીય રિફાઇનરીઓએ પ્રતિ દિન ૫૧.૩ લાખ બેરલ ક્રુડ ઓઈલ અથવા તો વર્ષમાં ૨૫૫૨લાખ ટન ક્રૂડ તેલ પ્રોસેસ કર્યું

નવીદિલ્હી:પશ્ચિમી દેશોમાં રિફાઇનરીઓનું વિસ્તરણ બંધ થઈ ગયું છે. પરંતુ ભારત તેની સ્થાનિક જરૂરિયાત ઉપરાંત નિકાસ માગને પહોંચી વળવા માટે નવી રિફાઇનરીઓની સ્થાપના તેમજ વિસ્તરણ પર કામ કરી રહ્યું છે. વર્ષ-૨૦૧૪ થી ૨૦૨૩ સુધીના સમય ગાળામાં ભારતે તેની વાર્ષિક રીફાઇનિંગ ક્ષમતામાં કુલ ૩૮૯ ટનની વૃદ્ધિ કરી છે. આમાંથી ૨૯ ટકા નવી ક્ષમતા હતી જ્યારે ૬૧ટકા જુના પ્લાન્ટનું વિસ્તરણ હતું. આની સામે વર્ષ-૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન ભારતે વિદ્યમાન ક્ષમતાના વિસ્તરણ મારફતે વાર્ષિક ૨૯૭ લાખની ક્ષમતાવૃદ્ધિ કરી હતી. હાલના તબક્કે ભારત આશરે વર્ષે ૨૫૪૦ લાખ ટન અથવા દૈનિક ૫૦ લાખ બેરલની ક્ષમતા સાથે વિશ્વમાં ચોથી સૌથી મોટી રિફાઇનિંગ ક્ષમતા ધરાવતો દેશ મનાય છે.
    વર્ષ ૨૦૨૨-૨૩ માં ભારતીય રિફાઇનરીઓએ પ્રતિ દિન ૫૧.૩ લાખ બેરલ ક્રુડ ઓઈલ અથવા તો વર્ષમાં ૨૫૫૨લાખ ટન ક્રૂડ તેલ પ્રોસેસ કર્યું હતું. જે અગાઉના વર્ષ પ્રતિ દિન ૪૮.૫ લાખ બેરલ અથવા તો વર્ષે ૨૪૧૭ લાખ ટન ક્રુડ તેલ હતું. ભારતીય તેલ કંપનીઓ તેલની સ્થાનિક માગમાં થતા રહેતા વધારાને પહોંચી વળવા માટે રિફાઇનિંગ ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરવાનું ચાલુ રાખે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના મતે આગામી ૭ વર્ષમાં રિફાઇનરી ક્ષમતામાં પ્રતિ દિન ૧૦ લાખ બેરલનો ઉમેરો કરવામાં આવશે. જે સમગ્ર વિશ્વમાં ચીન સિવાય અન્ય કોઈપણ દેશ કરતાં અધિક છે. હાલમાં અન્ય કેટલાક મોટા પ્રોજેક્ટસ પણ વિચારણા હેઠળ છે, જે દેશની અત્યારની ક્ષમતામાં ૬૮ લાખ બેરેલ પ્રતિ દિન જેટલો વધારો કરી શકે છે. ભારતનું લક્ષ્ય તેની વર્તમાન સુવિધાઓનું વિસ્તરણ કરીને તેમજ નવી સુવિધા સ્થાપીને વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની ક્રુડ રિફાઇનિંગ ક્ષમતામાં પ્રતિ વર્ષ ૫૬૬ લાખ ટનની વૃદ્ધિ કરવાનું છે. એક અંદાજ અનુસાર ૮૪ ટકા ક્ષમતાવૃદ્ધિ હાલના પ્લાન્ટમાં વિસ્તરણ દ્વારા કરાશે.
     જાહેર ક્ષેત્રની રિફાઈનરી હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં રાજસ્થાનના બાડમેર જિલ્લામાં દેશની સૌથી મોટી નવી રિફાઇનરીમાં ઈંધણનું વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. રૂ. ૭૩૦ અબજના ખર્ચે તૈયાર કરાયેલી આ રિફાઇનરી કમ પેટ્રો કેમિકલ્સ કુડ પ્રોસેસિંગ યુનિટની ક્ષમતા વાર્ષિક ૯૦ લાખની રહેશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની નવી ૯ રિફાઇનરીઓની કુલ રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક ૭૦૨.૫ લાખ ટન છે. જે દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં આશરે ૩૧ ટકા છે. આઈઓસી આક્રમક અભિગમ અપનાવીને તેની રિફાઇનિંગ ક્ષમતામાં ૨૫ ટકા એટલે કે ૮૮૦ લાખ ટન પ્રતિ વર્ષની વૃદ્ધિ કરવા ચાહે છે. ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન વર્ષ ૨૦૨૭ ના અંત સુધીમાં તમિલનાડુના નાગાપટ્ટિનમ ખાતે ૧,૮૦,૦૦૦ બેરલ પ્રતિ દિનની ક્ષમતા ધરાવતી રિફાઇનરીનું નિર્માણ કરશે. બીપીસીએલ પણ આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ યુનિટ સ્થાપવા વિષે વિચારણા કરી રહી છે. રશિયાની રોશનેફ્ટની માલિકીની નાયરા એનર્જી ગુજરાતની વાડીનાર સ્થિત સુવિધામાં રિફાઇનિંગ ક્ષમતાનું વિસ્તરણ કરીને વર્ષે બે કરોડ ટન કરવા તૈયાર છે. તે ઉપરાંત ભારતના પશ્ચિમ કિનારે રત્નાગીરી રિફાઇનરી તરીકે ઓળખાતું એક મેગા રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ્સ સંકુલ બંધાઈ રહ્યું છે. જેની વાર્ષિક ક્ષમતા ૬ કરોડ ટન હશે. જોકે હજી જમીન અધિગ્રહણની પ્રક્રિયા બાકી હોવાને કારણે, આ પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો

(10:13 PM IST)