<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

અમેરિકામાં વસતા ગુજરાતીઓને ખર્ચવા પડશે વધુ ડોલર: હીટર ચલાવવું થશે મોંઘુ : બિલમાં થશે વધારો

વિન્ટર સીઝનમાં ઈલેક્ટ્રીક હીટર ચલાવવાનો ખર્ચો 13.6 ટકા અથવા 1206 ડોલર જેટલો વધી શકે

અમેરિકામાં ઈન્ફ્લેશન ભલે થોડું-થોડું ઘટી રહ્યું હોય પરંતુ એકાદ મહિનામાં શરૂ થનારો શિયાળો એવરેજ અમેરિકન્સનો ખર્ચો વધારી શકે છે. ખાનગી કંપનીના એક રિપોર્ટ અનુસાર આ શિયાળામાં ઘરોને ગરમ રાખવા માટે અમેરિકાના લોકો પોતાના ખિસ્સા દર વર્ષ કરતા થોડા વધારે હળવા કરવા પડશે કારણકે હોમ હિટીંગ એક્સપેન્સિસમાં આ વખતે એવરેજ 10.5 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે.

આ વખતના શિયાળામાં અમેરિકાના નોર્થઈસ્ટ અને મિડવેસ્ટમાં ઠંડી વધારે પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખતા ઘરને ગરમ રાખવાનો ખર્ચો પણ વધશે તેવો અંદાજ નેશનલ એનર્જી આસિસ્ટન્સ ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જે કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રીક હિટર્સનો ઉપયોગ કરે છે તેમનો ખર્ચો સૌથી વધારે વધશે તેવી શક્યતા છે, વિન્ટર સીઝનમાં ઈલેક્ટ્રીક હીટર ચલાવવાનો ખર્ચો 13.6 ટકા અથવા 1206 ડોલર જેટલો વધી શકે છે. ઈલેક્ટ્રીક ગ્રીડને મેઈન્ટેન તેમજ અપગ્રેડ કરવાનો ખર્ચો વધી ગયો હોવાથી તેનો બોજ આખરે ગ્રાહકોએ જ ઉઠાવવો પડશે અને ખાસ તો વેસ્ટમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં ગ્રીડને નુક્સાન થયું હોવાથી ઈલેક્ટ્રીક હિટીંગની કોસ્ટ 23 ટકા સુધી વધી શકે છે તેવું નેશનલ એનર્જી આસિસ્ટન્સ ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે

જે કન્ઝ્યુમર્સ હિટીંગ માટે પ્રોપેનનો ઉપયોગ કરે છે તેમની કોસ્ટ પણ આ શિયાળામાં 7.3 ટકા અથવા 1442 ડોલર જેટલી વધી શખે છે, જ્યારે નેચરલ ગેસ યુઝર્સના બિલમાં 7.2 ટકા અથવા 644 ડોલરનો વધારો થઈ શકે છે. અમેરિકામાં નેચરલ ગેસના ભાવ ઘણા સમયથી સ્થિર છે, પંરતુ તેની નિકાસ વધી હોવાથી વિન્ટરમાં ગેસની કિંમત પણ ઉંચકાઈ શકે છે. યુએસમાં શિયાળાની સીઝનમાં ઘરને ગરમ રાખવા માટે અમુક લોકો ઓઈલ એટલે કે પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલતા ઈક્વિપમેન્ટ્સનો પણ ઉપયોગ કરે છે જેમના ખર્ચામાં ગયા વર્ષની સરખામણીએ આ વખતે 6.1 ટકા અથવા 1963 ડોલરનો વધારો થઈ શકે છે. ઘણા લોકો એવું માને છે કે ક્લાઈમેટ ચેન્જને કારણે શિયાળો ગરમ રહેવા લાગ્યો છે, પરંતુ આ સ્થિતિમાં પણ અમુક દિવસો દરમિયાન કાતિલ ઠંડી પડી શકે છે

નેશનલ એનર્જી આસિસ્ટન્સ ડિરેક્ટર્સ અસોસિએશનના ડિરેક્ટર માર્ક વોલ્ફે જણાવ્યું હતું કે અમેરિકામાં આ વખતે આકરા ઉનાળા બાદ હવે કાતિલ શિયાળાની પૂરી શક્યતા છે. હાલ અમેરિકાની ઘણી ફેમિલી ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટે એસીનો જેટલો ઉપયોગ કર્યો હતો તેનું બિલ ભરી રહી છે, પરંતુ હવે તેમને શિયાળામાં પોતાના ઘરને ગરમ રાખવા માટે પણ તગડું બિલ પે કરવું પડશે.


 

(12:18 AM IST)