તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
કાલથી નવરાત્રીઃ મેઘાની ચિંતા સામે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ
૧૦ દિવસ સુધી ગલગોટો, સનેટો, ઢોલીડાની ધૂમ દેખાશે : શેરી-સોસાયટીમાં રોનક છવાશે, વરસાદના કારણે કોમર્શિયલ આયોજકોમાં દ્વિધા

નવી દિલ્હી,તા.૨: ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રીની આવતીકાલે આસો સુદ એકમથી રંગારંગ શરૂઆત થશે. ખેલૈયાઓ અને આબાલવૃદ્ધ સૌ છેલ્લા એક મહિનાથી નવરાત્રી પર્વની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. એક બાજુ છેલ્લા એક પખવાડિયામાં ધોધમાર, છૂટાછવાયા વરસાદને જોતાં કોમર્શિયલ આયોજકો વિમાસણમાં મુકાયા છે. બીજી બાજુ શેરી અને સોસાયટીમાં ગરબાના ભવ્ય આયોજનો થયા હોય શહેરીજનોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે તિથિના સંયોગ વચ્ચે ૧૦ દિવસ સુધી ગલગોટો, સનેડો, ઢોલીડા સહિતના ગરબા, દોઢિયા અને દાંડિયા રાસની રમઝટ જોવા મળશે. નવરાત્રીના દિવસોમાં આદ્યશક્તિના જુદા જુદા સ્વરૂપની પૂજા- અર્ચના થશે.
સુરત શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી બાદ હવે ગુરુવારથી ૧૦ દિવસ માટે નવરાત્રી પર્વની રોનક દેખાશે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદને કારણે ચિંતાનાં વાદળો ઘેરાયા છે. ગત શનિવારે રાત્રિએ ધોધમાર વરસાદ અને રવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણને કારણે પ્રિ- નવરાત્રીના આયોજનો બગડયા હતા. અનેક સમાજ અને સંસ્થા દ્વારા પ્રિ- નવરાત્રીના આયોજનો મુલતવી રાખવામાં આવ્યા હતા. જયારે હવે ગુરુવારથી નવરાત્રી પર્વનો વિધિવત આરંભ થશે. આ વર્ષે હસ્ત નક્ષત્ર અને ઐન્દ્ર યોગ વચ્ચે નવરાત્રી પર્વ શરૂ થશે એવો મત જયોતિથી આપી રહ્યા છે. આ વર્ષે મા અંબા પાલખીમાં સવાર થઈને આવશે. ગુરુવારે બપોરે ૩.૩૩ વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર, આખો દિવસ ઐન્દ્ર યોગ રહેશે. ચંદ્ર કન્યા રાશિમાં હશે. ગુરુવારે સવારે ઘટ સ્થાપન સાથે આદ્યશક્તિની આરાધનાનો દોર શરૂ થશે. જોકે, ગુરુવારે સૂર્યોદય પછીનું પહેલું ચોઘડિયું શુભ હોવાથી તેમાં ઘટસ્થાપન થઈ શકશે. ત્યારપછી બન્ને ચોથડિયા રોગ અને ઉદ્વેગ છે. બપોરે ૧૨.૧૨થી ૧ વાગ્યા સુધીનું અભિજિત મુહૂર્ત પણ શુભ હોવાનો મત જયોતિષી આપી રહ્યા છે. આમ, વરસાદના વિઘ્ન અને અનેક સંયોગો વચ્ચે ગુરુવારથી આદ્યશક્તિની આરાધનાનું પર્વ શરૂ થશે. (૨૨.૫)
નવ દિવસ સુધી આદ્યશક્તિના જુદા જુદા સ્વરૂપની પૂજા
જયોતિષીના જણાવ્યા મુજબ, શહેરના આદ્યશક્તિનાં મંદિરોમાં નવરાત્રી પર્વ વેળા ક્રમશઃ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, સ્કંદમાતા, કુષ્માંડા, ચંદ્રઘંટા, કાત્યાયની દેવી, મહાગૌરી દેવી, કાલરાત્રી દેવી અને સિદ્ધિદાત્રી દેવી એમ આદ્યશક્તિના વિવિધ સ્વરૂપની પૂજા, આરતી થશે. મંદિરોમાં ગુરૂવારે વહેલી સવારે ઘટસ્થાપન નિમિત્તે જવારાનું સ્થાપન કરવાની સાથે પર્વની ઉજવણી શરૂ કરાશે. ત્યારબાદ ૧૦ દિવસ સુધી મંદિરોમાં ભક્તોની ભીડ દેખાશે.
સુરતીઓના મિજાજને વરસાદનું વિઘ્ન નહીં નડેઃ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર
છેલ્લા એક પખવાડિયાથી ઝરમર વરસી રહેલા વરસાદને કારણે નવરાત્રીના આયોજનો સંદર્ભે ચિંતાનું મોજું ફળી વળ્યુ છે. દરમિયાન કેટલાક આયોજકોએ વચલો માર્ગ કાઢી બે દિવસ મોડી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ શેરી- સોસાયટી ગરબાની રોનક છવાશે એવો મત પણ અપાઇ રહ્યો છે. આ સંદર્ભે એક ઈવેન્ટ ઓર્ગેનાઇઝર જણાવ્યું હતું કે, સુરતીઓના મિજાજને વરસાદનું વિઘ્ન નહીં નડે. સુરતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ડોમનું કલ્ચર અંદાજે પાંચ-સાત વર્ષથી આવ્યું છે. પરંતુ શહેરીજનો વર્ષો, દાયકાઓથી મન મૂકીને ગરબે ઘુમે છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
