તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ચોમાસાએ રંગ રાખ્યો : દિલ ગાર્ડન-ગાર્ડન હો ગયે
ચાલુ સિઝનમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : ૭.૬ ટકા વધુ વરસાદ નોંધાયો : દેશભરમાં ૯૩૪.૮ મીમી વરસાદ : જે સામાન્ય કરતા ૧૦૭.૬ વધુ : મધ્ય ભારતમાં ૧૯ ટકા તો ઉત્તર-પશ્ચિમમાં ૭ ટકા વધુ : હવામાનને કારણે ૧૯૪૨ લોકોના મોત જેમાં ૮૯૫ના મોત પૂર-વરસાદને કારણે

નવી દિલ્હી, તા.૨: આ વખતે ચોમાસાએ દેશભરમાં રંગ રાખ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા સર્વત્ર ખુશાલી છવાઇ છે. વેપારીઓ - ખેડૂતો - સરકાર - પ્રજા બધા ખુશ છે. વર્ષ સારૂ જવાના એંધાણ છે. ગુજરાત, રાજસ્થાન, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્રમાં વધુ વરસાદ પડયો છે.
આ ચોમાસાની સિઝન દરમિયાન દેશભરમાં ૯૩૪.૮ મીમી વરસાદ થયો છે. આ સામાન્યના ૧૦૭.૬ ટકા છે. એટલે કે સિઝનમાં ૭.૬ ટકા વધુ વરસાદ થયો છે. મધ્ય ભારતમાં ૧૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યાં દક્ષિણ દ્વીપકલ્પમાં ૧૪ ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં સાત ટકા વધુ વરસાદ થયો છે. તે જ સમયે, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ૧૪ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે ચોમાસાના ચાર મહિનામાં જૂનમાં ૧૧ ટકા ઓછો, જુલાઈમાં ૯ ટકા વધુ, ઓગસ્ટમાં ૧૫.૩ ટકા વધુ અને સપ્ટેમ્બરમાં ૧૧.૬ ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
ઓક્ટોબરમાં દેશના મોટા ભાગના ભાગો સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે. IMD ના DG મળત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ઓક્ટોબરમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. તે માત્ર મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક ભાગોમાં સામાન્યથી નીચે રહી શકે છે. તે જ સમયે, ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન, મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. IMD અનુસાર, દક્ષિણ દ્વીપકલ્પમાં આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદના ૧૧૨ ટકા વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ૩૩૪.૧૩ મીમી વરસાદ પડે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. તે જ સમયે, ઓક્ટોબરમાં દેશભરમાં ૧૧૫ ટકા વરસાદની અપેક્ષા છે. ઓક્ટોબર દરમિયાન સરેરાશ વરસાદ ૭૫.૪ મીમી છે. આ હોવા છતાં, ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓછા વરસાદની સંભાવના છે.
આ ચોમાસાની સિઝનમાં, દેશભરમાં કુદરતી આફતો અને ભારે હવામાનની ઘટનાઓમાં ૧૪૯૨ લોકોએ જીવ ગુમાવ્યા. IMD અનુસાર, પૂર અને વરસાદની ઘટનાઓમાં મોટાભાગના લોકોના મોત થયા છે. જેમાં ૮૯૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે તોફાન, વીજળી પડવાથી ૫૯૭ લોકોના મોત થયા હતા.
IMD અનુસાર, દેશભરમાં ૫૨૫ ભારે વરસાદની ઘટનાઓ બની છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. જ્યારે એક દિવસમાં ૧૧૫.૬ થી ૨૦૪.૫ મીમી વરસાદ પડે છે, તેને ભારે વરસાદ કહેવામાં આવે છે. અતિ ભારે વરસાદની ૯૬ ઘટનાઓ બની છે. આવું ત્યારે થાય છે જ્યારે એક દિવસમાં ૨૦૪.૫ મીમી વરસાદ પડે છે.
IMD અનુસાર, ગરમીના કારણે ૧૭ લોકોના મોત થયા છે. જેમાંથી ઝારખંડમાં ૧૩ અને રાજસ્થાનમાં ચાર મોત થયા છે. આ મળત્યુ ચોમાસાની સિઝનની શરૂઆતમાં થયા છે. કેરળના વાયનાડ જિલ્લામાં ૩૦ જુલાઈના રોજ થયેલી લેન્ડ સ્લાઈડમાં ૩૯૭ લોકોના મોત થયા હતા. આસામમાં ૧૦૨ અને મધ્ય પ્રદેશમાં ૧૦૦ લોકોના મોત થયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પૂર અને વરસાદના કારણે ૧૩ લોકોના મોત થયા છે. જ્યારે વીજળી અને તોફાનને કારણે મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૧૮૯ મળત્યુ થયા છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૧૩૮, બિહારમાં ૬૧ અને ઝારખંડમાં ૫૩ મળત્યુ થયા છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
