<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ: ઠગ ટોળકીએ દેશભરમાં કરી કરોડોની છેતરપીંડી :20 હજાર સીમકાર્ડ વેચ્યા

આરોપીઓ પાસેથી 1,816 સિમ કાર્ડ, 2 ચેકબુક, પાંચ મોબાઈલ ફોન અને 2 બાયોમેટ્રિક ડિવાઈસ રિકવર કરાયા

નવી દિલ્હી : દેશભરમાંથી સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાયબર ક્રિમીનલ્સ લોકો સાથે ફ્રોડ કરવા માટે નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. રોજ કેટલાક લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે, ત્યારે હવે સ્કેમર્સે સાયબર ફ્રોડ કરવાની નવી રીત અપનાવી છે. તાજેતરમાં જ એક નવા પ્રકારના સાયબર સ્કેમનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં ઉત્તરાખંડ પોલીસે ગૃહ મંત્રાલય સાથે મળીને આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી સિમકાર્ડ સંબંધિત છેતરપિંડી કરતી હતી અને 1 કરોડ રૂપિયા સુધીનો સ્કેમ કરી ચુકી છે.

   આરોપીઓએ અત્યાર સુધીમાં 20 હજાર સિમ કાર્ડ વેચ્યા છે. તેમાં ભારત ઉપરાંત ચીન, થાઈલેન્ડ, મ્યાનમાર, વિયેતનામ અને મલેશિયાના સ્કેમર્સ પણ સામેલ હતા. આ ટોળકી લોકોને ભારતીય સિમ કાર્ડ આપતી હતી. પોલીસે આ ટોળકીનો પર્દાફાશ કરીને જણાવ્યું કે તેની મદદથી છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે જણાવ્યું કે અમે આરોપીઓ પાસેથી 1,816 સિમ કાર્ડ, 2 ચેકબુક, પાંચ મોબાઈલ ફોન અને 2 બાયોમેટ્રિક ડિવાઈસ રિકવર કર્યા છે.

   આ સિમ કાર્ડનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હતો. લોકોને નકલી લાલચ આપવામાં આવતી હતી. એવું કહેવામાં આવતું હતું કે સરકારી સ્કીમ ચાલી રહી છે અને તેઓએ આઈડી આપવાનું રહેશે. આ પછી તેમના નામે સિમકાર્ડ ઈશ્યૂ કરાવી લેવામાં આવતા હતા. ત્યારબાદ આ સીમકાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવામાં આવતી હતી. તેમજ લોકોને મૂર્ખ બનાવીને તેમની બેંક વિગતો સુધીની માહિતી મેળવી લેવામાં આવતી હતી.

  આ ટોળકી લોકોના ઘરે જઈને ફ્રી રાશનની લાલચ આપતી હતી. રાશનકાર્ડના નામે લોકો પાસેથી તેમના આઈડી અને બાયોમેટ્રિક્સના સેમ્પલ લેવામાં આવતા હતા. તેની મદદથી છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલો ધીરે ધીરે વધી રહ્યો હતો.

(11:56 AM IST)