તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
અમેરિકામાં ૫૦ વર્ષમાં સૌથી મોટી હડતાલથી ચીન-પાકિસ્તાન પરેશાન
અમેરિકામાં પૂર્વ અને ગલ્ફ કોસ્ટ પોર્ટના કામદારો હડતાળ પર : અમેરિકાને દરરોજ ૫ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે

નવી દિલ્હી, તા.૨: અમેરિકામાં ૫૦,૦૦૦થી વધુ પોર્ટ વર્કર્સ હડતાળ પર છે. દેશમાં ૧૯૭૭ પછી આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કામદારો હડતાળ પર છે. આ બંદરો અમેરિકાની કુલ આયાતના લગભગ ૪૦ ટકા હેન્ડલ કરે છે અને આ હડતાલથી અમેરિકાને દરરોજ ૫ અબજ ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. નિષ્ફળ કરાર વાટાઘાટોને કારણે પોર્ટ કામદારો હડતાળ પર છે. જૂનમાં, બંદર કામદારોના સંગઠન ILAએ યુનાઇટેડ સ્ટેટ્સ મેરીટાઇમ એલાયન્સ સાથેની વાતચીત સ્થગિત કરી દીધી હતી. આ કોન્ટ્રાક્ટ ૩૦ સપ્ટેમ્બરે કોઈપણ ડીલ વિના સમાપ્ત થઈ ગયો હતો. જો આ હડતાલ એક મહિના સુધી ચાલુ રહેશે તો તેનાથી અમેરિકાને ૧૩૦ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.
વર્તમાન કરાર હેઠળ, યુનિયનના સભ્યોને પ્રતિ કલાક $૨૦ થી $૩૭ સુધીનું વેતન મળે છે. તેઓ આગામી છ વર્ષમાં તેમાં ૩૨ ટકા વધારો ઈચ્છે છે. હાલમાં, અમેરિકામાં લગભગ ૩૮ ટકા આયાત પૂર્વ અને ગલ્ફ કોસ્ટ બંદરોથી આવે છે. જેપી મોર્ગનના મતે, આ હડતાલથી અમેરિકન અર્થતંત્રને દરરોજ $૩.૮ બિલિયનથી $૪.૫ બિલિયનનું નુકસાન થઈ શકે છે. આ બંદરો ખાસ કરીને કળષિ ઉત્પાદનોની આયાત માટે મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે તેમના દ્વારા ૨૬.૭ લાખ મેટ્રિક ટન સોયાબીનની આયાત કરવામાં આવી હતી. તેવી જ રીતે આ બંદરો દ્વારા ૧૯.૫ લાખ ટન મરઘાં આવ્યા હતા.
જો આ હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે ફરી એકવાર ખાદ્ય મોંઘવારી વધારી શકે છે. આ બંદરો દ્વારા માલસામાનની આયાત કરતી કંપનીઓમાં Walmart, Ikea, Home Depot, Dollar General અને Amazonનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિકાસ બજાર પણ મોટાભાગે આ બંદરો પર નિર્ભર છે. આ બંદરો પરથી ચીનમાં ૧૯.૧ લાખ ટન માલની નિકાસ થાય છે. એ જ રીતે ઇન્ડોનેશિયામાં ૧૩ લાખ ટન, વિયેતનામને ૧૦.૮ લાખ ટન, પ્યુઅર્ટો રિકોને ૯.૮ લાખ ટન, તાઇવાનને ૮.૩ લાખ ટન, તુર્કીને ૪.૭ લાખ ટન અને પાકિસ્તાનમાં ૩.૧ લાખ ટન માલની નિકાસ કરવામાં આવે છે. અમેરિકાથી પાકિસ્તાનમાં જળમાર્ગો દ્વારા કરવામાં આવતી નિકાસનો આ ૮૧ ટકા છે.
આ બંદરો પરથી દર વર્ષે ૩૮ લાખ મેટ્રિક ટન કેળાની આયાત કરવામાં આવે છે જે કુલ આયાતના ૭૫ ટકા છે. તેવી જ રીતે, ૯૦ ટકા ચેરી, ૮૫ ટકા તૈયાર ખોરાક, ૮૨ ટકા ગરમ મરી અને ૮૦ ટકા ચોકલેટ આ બંદરોમાંથી આવે છે. મતલબ કે આ હડતાળથી સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર પડી શકે છે. તાજેતરના વર્ષોમાં યુએસમાં આ સૌથી મોટી હડતાલ છે. ચીન અને પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશોને તેની અસર થઈ શકે છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
