News of Friday, 4th October 2024
૩ દિવસની સારવાર બાદ ગોવિંદાને મળી હોસ્પિટલમાંથી રજા
હાથ જોડીને ચાહકોનો માન્યો આભારઃ ૬ અઠવાડિયા સુધી બેડ રેસ્ટ

મુંબઇ તા. ૪ : બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે એક મોટી દુર્ઘટના બની હતી. તેની રિવોલ્વર સાફ કરતી વખતે તેને ઘૂંટણમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેના પગમાંથી એક ગોળી નીકળી હતી. ડોક્ટરોની દેખરેખમાં ૩ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે તે ૬ અઠવાડિયા સુધી બેડ રેસ્ટ પર રહેશે. આ દરમિયાન અભિનેતા સાથે તેનો પરિવાર પણ જોવા મળ્યો હતો. પત્ની સુનીતા આહુજા મુશ્કેલ સમયમાં પડછાયાની જેમ તેમની સાથે રહી. પુત્રી ટીના આહુજાએ ઉજ્જૈનના મહાકાલમાં તેના પિતા માટે ધાર્મિક વિધિઓ કરી હતી. ૫૧ પંડિતોએ સાથે મળીને મહામૃત્યુંજયનો જાપ કર્યો હતો. ચાહકોએ મંદિર અને મસ્જિદમાં ગોવિંદાના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
ગોવિંદા હોસ્પિટલની બહાર વ્હીલચેરમાં જોવા મળ્યો હતો. તેણે સૌનો આભાર માન્યો. અભિનેતા સાથે પુત્રી ટીના અને પત્ની સુનીતા પણ જોવા મળી હતી. ગોવિંદાને ગોળી મારવાના સમાચાર સાંભળીને તેના ચાહકો પરેશાન થઈ ગયા હતા. ત્યારબાદ અભિનેતાએ બધાને સાંત્વના આપવા માટે ICUમાંથી પોતાનો વોઈસ મેસેજ બહાર પાડ્યો. ઓડિયોમાં અભિનેતાએ કહ્યું હતું- હું હવે ખતરાની બહાર છું. ગોળી ભૂલથી વાગી હતી. બાબાના આશીર્વાદ. હું મારા ડોક્ટરોનો આભાર માનું છું. હું મારા ચાહકોનો પણ આભારી છું. તમારા બધાના આશીર્વાદ, તમારા માતા-પિતાના આશીર્વાદ અને બાબાની કૃપાથી જે ગોળી વાગી હતી તે દૂર થઈ ગઈ છે. હું આપ સૌનો આભાર માનું છું.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
