<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

દીકરાના મૃત્‍યુ પછી પણ તેના બાળકનો જન્‍મ કરાવી શકાય, કાયદો પરવાનગી આપે છે

હાઈકોર્ટે સર ગંગારામ હોસ્‍પિટલને મૃત પુત્રના સ્‍પર્મ તેનાં માતા-પિતાને તાત્‍કાલિક સોંપી દેવાનો આદેશ કર્યો છે

નવી દિલ્‍હી,તા. ૭: આ નિર્દેશ દિલ્‍હી હાઈકોર્ટે આપ્‍યો છે. દિલ્‍હીની સર ગંગારામ હોસ્‍પિટલે મૃત વ્‍યક્‍તિનું ફ્રીઝ કરાયેલું સ્‍પર્મ આપવાની ના પાડી એટલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. દિલ્‍હીનાં વૃદ્ધ માતા-પિતાના દીકરાને ૨૦૨૦માં કેન્‍સર હતું. કેન્‍સરની સારવાર કરવાથી બાળક ઉત્‍પન્ન થવામાં મુશ્‍કેલી ઊભી થઈ શકે છે એવું ડોક્‍ટરોએ કહ્યું હતું એટલે કીમો થેરપી શરૂ કરતાં પહેલાં જૂન ૨૦૨૦માં હોસ્‍પિટલની IVF લેબમાં તેના સ્‍પર્મ ફ્રીઝ કરી દેવાયા હતા. સમય જતાં દીકરાનું મૃત્‍યુ થયું. દીકરો કુંવારો હતો અને વંશવેલો આગળ વધારી શકાય એ માટે માતા-પિતાએ મૃત પુત્રના વીર્યના નમૂના લેવા હોસ્‍પિટલનો સંપર્ક કર્યો, પણ અદાલતના આદેશ વિના સેમ્‍પલ ન આપી શકાય એવો જવાબ મળ્‍યો એટલે તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ન્‍યાયાધીશ પ્રતિભા એમ. સિંહે ૮૪ પાનાંનો ચુકાદો આપ્‍યો છે અને કહ્યું છે કે સ્‍પર્મ કે એગના માલિકની સંમતિ મળી હોય તો તેના મૃત્‍યુ પછી બાળકનો જન્‍મ કરાવવામાં કોઈ અડચણ નથી. અદાલતે કહ્યું કે મૃત્‍યુ પછી પ્રજનન કે એને સંબંધિત બાબતોના સમાધાન માટે કોઈ કાયદો, અધિનિયમ કે દિશાનિર્દેશની જરૂર છે કે નહીં એ વિશે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય વિચાર કરશે. હાઈકોર્ટે સર ગંગારામ હોસ્‍પિટલને મૃત પુત્રના સ્‍પર્મ તેનાં માતા-પિતાને તાત્‍કાલિક સોંપી દેવાનો આદેશ કર્યો છે.

(9:41 AM IST)