<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

હિઝબુલ્લાહે લેબનોનથી ઓછામાં ઓછી 135 મિસાઈલ ઇઝરાયેલના હાઈફા વિસ્તારમાં છોડી: સૌથી મોટો હુમલો

હવાઈ હુમલા બાદ હાઈફામાં અફરાતફરી:સતત સાયરન વાગવા લાગ્યા : લોકો બોમ્બ શેલ્ટરમાં જતા જોવાયા : ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

ઇઝરાયેલ પર બીજો સૌથી મોટો હુમલો થયો છે. આ વખતે હિઝબુલ્લાહે લેબનોનથી ઓછામાં ઓછી 135 મિસાઈલ ઇઝરાયેલના હાઈફા વિસ્તારમાં છોડી છે. હાઈફા ઇઝરાયેલનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. આ હવાઈ હુમલા બાદ હાઈફામાં અફરાતફરી જોવા મળી. સતત સાયરન વાગવા લાગ્યા. આ દરમિયાન લોકો બોમ્બ શેલ્ટરમાં જતા જોવા મળ્યા.

હિઝબુલ્લાહે પણ દાવો કર્યો કે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમણે ઇઝરાયેલના ત્રીજા સૌથી મોટા શહેર હાઈફા પર રોકેટ અને મિસાઈલથી હુમલાઓ કર્યા છે. હિઝબુલ્લાહે પહેલી વખત ફાદી-1 મિસાઈલનો ઉપયોગ કર્યો છે જેના કારણે હાઈફામાં મોટું નુકસાન થયું છે. ઇઝરાયેલી સેના 7 ઓક્ટોબર, 2023નાં રોજ થયેલા નરસંહારની પહેલી વરસી મનાવી રહ્યું હતું, ત્યારે હિઝબુલ્લાહે એક પછી એક હુમલાઓ કરતા ઇઝરાયેલી શહેર ભડકે બળ્યું હતું.

હિઝબુલ્લાહની ફાદી મિસાઈલ ઘણી જ ઘાતક માનવામાં આવે છે, જેની મારક ક્ષમતા 80 કિલોમીટર સુધીની છે. જેને મોબાઈલ પ્લેટફોર્મથી પણ લોન્ચ કરી શકાય છે. આ 83 કિગ્રાના વોરહેડથી સજ્જ છે, જે કોઈ પણ પ્રકારના ટાર્ગેટને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. આ મારક ક્ષમતા જ તેની મોટી ખાસિયત છે. આ જ કારણે છે કે આ મિસાઈલ ઇઝરાયેલના આયરન ડોમને પણ ભેદીને અંદર ઘુસી જાય છે.

ઇઝરાયેલનું કહેવું છે કે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તેમનું સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે. હવાઈ હુમલાની સાથે જમીન પર પણ તેમની સેના આતંકી સંગઠનોની કમર તોડી રહી છે. જો કે આ હુમલામાં બે ઇઝરાયેલી સૈનિકોના મોત થયા છે. આ રીતે હિઝબુલ્લાહની સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 સૈનિકો માર્યા ગયા છે. વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પલટવાર જરુરી છે.

લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સરહદ નજીકના શહેર બિંટ જેબિલમાં એક નગરપાલિકા ભવનમાં ઇઝરાયેલી હુમલામાં 10 ફાયરબ્રિગેડના જવાનોના મોત નિપજ્યા છે, જ્યારે મોટી સંખ્યમાં લોકો ઘાયલ થયા છે. રવિવારે થયેલા હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો તેમની વાયુ સેનાએ બેરુતમાં હિઝબુલ્લાહના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર બોમ્બ ફેંક્યા છે.

ઇઝરાયેલના ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ હલેવીએ કહ્યું કે, 7 ઓક્ટોબરે એક વર્ષ થયું, જે દિવસ અમે ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષા કરવાના અમારા મિશનમાં નિષ્ફળ રહ્યાં હતા. 7 ઓક્ટોબર આત્મનિરક્ષણનો દિવસ છે. અમે હમાસ વિરુદ્ધ લડાઈ યથાવત રાખીશું. અમે હિઝબુ્લ્લાહને ગંભીર ઝાટકો આપ્યો છે, જેમાં તેના તમામ ટોચના કમાન્ડર માર્યા ગયા છે. અમે લડીએ છીએ, શીખીએ છીએ અને સુધારો કરીએ છીએ.

(11:05 PM IST)