<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

યુપી પેટાચૂંટણીની તૈયારી:ભાજપે કોર કમિટીની બેઠકમાં ચાર ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી

તમામ બેઠકો માટે ચાર-ચાર ઉમેદવારોની પેનલ તૈયાર :સીએમ યોગીની અધ્યક્ષતામાં મળેલી ભાજપ કોર કમિટીની બેઠકમાં પેટાચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરાઈ

લખનૌ. ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપે તમામ બેઠકો માટે ચાર ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી છે. ટૂંક સમયમાં ઉમેદવારોના નામ કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી ભાજપ કોર કમિટીની બેઠકમાં પેટાચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

   રાજ્યમાં ફુલપુર, માઝવાન, મીરાપુર, ખેર, સિસામાઉ, કરહાલ, કુંડારકી, મિલ્કીપુર, કટેહારી અને ગાઝિયાબાદ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાંથી નવ બેઠકો લોકસભાની ચૂંટણી બાદ ખાલી થઈ છે, જ્યારે કાનપુરની સીસામાઉની બેઠક સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીને દોષિત ઠેરવ્યા બાદ ખાલી થઈ છે. 

    ભાજપ ઉપરાંત સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે તમામ દસ બેઠકો પર પ્રભારીઓની સાથે નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે.

 જો કે સીટ વહેંચણીનો મુદ્દો હજુ પણ સપા અને કોંગ્રેસ વચ્ચે અટવાયેલો છે. કોંગ્રેસ પાંચ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કેટલીક બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી લીધી છે, પરંતુ હજુ સુધી નામ જાહેર કર્યા નથી.બસપાએ કેટલાક ઉમેદવારોને પેટાચૂંટણી લડવાના સંકેતો પણ આપ્યા છે.


 

(12:45 AM IST)