<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

દિલ્હીની આસપાસ પણ કમળે કમાલ સર્જી : AAPના ઉમેદવારોને મોટી ઝટકો :ડિપોઝિટ પણ થઈ ગઈ ડૂલ

દિલ્હી નજીકની બેઠક પર ઉમેદવારોનો રકાસ :એનસીઆરથી સંલગ્ન તમામ સીટ પર પણ આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ

નવી દિલ્હી :  હરિયાણામાં ફરી એકવખત ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. આ પહેલી વખત છે કે જ્યારે કોઈ પાર્ટી પ્રદેશમાં ત્રીજી વખત સરકાર બનાવી રહી છે.એક તરફ જ્યાં કોંગ્રેસને હરિયાણામાં મોટો ઝાટકો લાગ્યો છે તો બીજી તરફ 89 સીટ પૂરા જોશથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી આપ પાર્ટી માટે પણ પરિણામ ઘણું જ નિરાશાજનક રહ્યું છે. પાર્ટીએ એક પણ સીટ પર જીત મળી નથી. આપ માટે સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે દિલ્હી નજીકની બેઠક પર તેમના ઉમેદવારો ધૂળ ચાટતા જોવા મળ્યા. એનસીઆરથી સંલગ્ન તમામ સીટ પર પણ આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે.

ગુડગાંવમાં ભાજપે 68 હજાર વોટથી જીત મેળવી છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. નિશાંત આનંદને માત્ર 2,177 વોટ મળ્યા છે. ગુરુગ્રામ જિલ્લાની બાદશાહપુર સીટ પરથી ભાજપના રાવ નરબીર સિંહે 60 હજાર વોટથી જીત મેળવી જ્યાં આપના બીરસિંહ બીરુ સરપંચ પણ ચોથા સ્થાને રહ્યાં. જો કે તેમણે 12,943 વોટ મેળવ્યા હતા. સોહનાથી ભાજપના ઉમેદવાર તેજપાલ તંવરે 11,675 વોટથી જીત મેળવી, અહીં આપના ધર્મેન્દ્ર ખટાનાને 2680 જ મત મળ્યા. પટૌદીમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી, અહીં આપના ઉમેદવાર પ્રદીપ જટૌલીને 1,874 મત જ મળ્યા.

બહાદુરગઢમાં કુલદીપ સિંહ ચિકારાને 966 વોટ મળ્યા. બહાદુરગઢમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ. દિલ્હીથી સોનીપતના રાઈ વિધાનસભા સીટ પર આપના રાજેશ સરોહ આઠમા સ્થાને રહ્યાં. તેમને માત્ર 281 વોટ જ મળ્યા. તો ખરખૌદા સીટ પરથી આપના ઉમેદવાર મનજીત ફરમાનાને માત્ર 397 વોટ જ મળ્યા. ફરીદાબાદ સીટ પરથી આપના ઉમેદવાર પ્રવેશ મહેતાને 926 વોટ જ મળ્યા. બલ્લભગઢમાં આપના ઉમેદવાર રવિન્દ્ર ફૌજદારને 6,634 વોટ મળ્યા. આ સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઈ. ફરીદાબાદની પૃથલા સીટ પરથી આપના ઉમેદવાર કૌશલ તાતરપુરને માત્ર 706 મતથી જ સંતોષ માનવો પડ્યો. અહીં ભાજપના ઉમેદવાર રઘુવીર તેવટિયાને 20 હજાર વોટથી જીત મળી છે.

(9:59 PM IST)