<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

તાજમહલના સૌંદર્યને વર્ણવા મારી પાસે શબ્‍દો નથી

માલદીવના પ્રમુખ મુઈજ્જુ તાજમહલની મુલાકાતે : આ ભવ્‍ય સ્‍મારકની રચના, તેની કોતરણી મંત્રમુગ્‍ધ કરે છેઃ પ્રમુખ અને ફર્સ્‍ટ લેડીને, ઉ. પ્ર.ના મંત્રીએ તાજની પ્રતિકૃતિ ભેટ આપી

આગ્રા,તા.૯: માલદીવના પ્રમુખ મોહમ્‍મદ મુઈજ્જુ અને ફર્સ્‍ટ લેડી સાજીધા મોહમ્‍મદ આજે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાતે ગયા હતા. આ મહાન સ્‍થાપત્‍ય જોઈ મુઈજ્જુએ કહ્યું તેના ભવ્‍ય સૌંદર્યને વર્ણવવા માટે મારી પાસે શબ્‍દો નથી, શબ્‍દો તે સૌંદર્યને ન્‍યાય આપી શકે તેમ નથી. તેઓએ વિઝિટર્સ બુકમાં પણ આ પ્રમાણે લખ્‍યું હતું. સાથે લખ્‍યું કે આ સ્‍થાપત્‍યની અદ્વૂત કોતરણી, મંત્રમુગ્‍ધ કરે છે. સ્‍થાપત્‍ય કલાની અહીં ચરમસીમા આવી ગઈ છે. પ્રણય અને સ્‍થાપત્‍યનું અહીં અદ્વૂત સંમિલન જોવા મળે છે.

મુઈજ્જુ અને ફર્સ્‍ટ લેડી આ વિશ્વ પ્રસિદ્ધ સ્‍થાપત્‍ય જોવા દિલ્‍હીથી આવી પહોંચ્‍યા ત્‍યારે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી યોગેન્‍દ્ર ઉપાધ્‍યાયે મુખ્‍ય મંત્રી યોગી આદિત્‍યનાથ વતી વિમાન ગૃહે સ્‍વાગત કર્યું હતું અને તેઓની સાથે તાજમહેલ જોવામાં જોડાયા હતા. તાજમહેલની રચના અંગેનો ઇતિહાસ પણ કહ્યો, સાથે તે ઈતિહાસની એક બુકલેટ પણ આપી જેમાં તાજ વિષે સંપૂર્ણ વિગતો પણ હતી. પ્રમુખ અને ફર્સ્‍ટ લેડીએ તાજ જોઈ ત્‍યાં પોતાનો ફોટો પણ પડાવ્‍યો હતો. પ્રમુખ અને ફર્સ્‍ટ લેડી તાજ જોવા ગયા તે સમયે જનસામાન્‍ય માટે તાજની મુલાકાત બંધ રખાઈ હતી.

તાજમહેલની મુલાકાત પછી તેઓ પાછા ફરતા હતાં ત્‍યારે યોગેન્‍દ્ર ઉપાધ્‍યાયે તેઓને તાજની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પછી તે બંને ઓપન એર ક્રાફટ વિલેજ વ્રજ પ્રદેશમાં ગયા જયાં કલાકારોએ નૃત્‍ય દ્વારા તેઓનું સ્‍વાગત કર્યું હતું.

(9:54 AM IST)