<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

૯૦ સીટ પર લડી AAPને હરિયાણામાં મળી ૦ સીટ

હરિયાણામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્‍યો : રાજય એકમના વરિષ્‍ઠ ઉપાધ્‍યક્ષ અનુરાગ ઢાંડાને પણ મોટી હારનો સામનો કરવો પડયો

રોહતક,તા.૯: હરિયાણામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્‍યો છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ખાતું પણ ખોલી શકી નથી. તો રાજય એકમના વરિષ્ઠ ઉપાધ્‍યક્ષ અનુરાગ ઢાંડાને પણ મોટી હારનો સામનો કરવો પડ્‍યો. દિલ્‍હી અને પંજાબમાં સરકાર ચલાવનારી આપને આ વર્ષની શરૂઆતમાં થયેલ લોકસભા ચૂંટણીમાં કોઈપણ સફળતા મળી નહોતી. મુદ્દો એ રહ્યો કે પાર્ટીના મોટાભાગના પ્રતિસ્‍પર્ધીઓ ૧૦૦ મતનો આંકડો પણ સ્‍પર્શી શક્‍યા નહીં.

તમને જણાવી દઈએ કે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો તેઓ ત્રણ-ચાર મહિના પહેલા જેલમાંથી મુક્‍ત થયા હોત તો ચૂંટણી પછી તેમની પાર્ટી રાજયમાં પોતાની સરકાર બનાવી ચૂકી હોત. પાર્ટીએ કેજરીવાલને ‘હરિયાણાના લાલ' તરીકે રજૂ કર્યા અને તેમના નામ પર વોટ માંગ્‍યા. પાર્ટીએ ઘરેલું ગ્રાહકો માટે મફત અને ચોવીસ કલાક વીજળી, સરકારી શાળાઓ અને હોસ્‍પિટલોનું નવનિર્માણ, મફત અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ, મોહલ્લા ક્‍લિનિક્‍સની સ્‍થાપના અને મહિલાઓને દર મહિને રૂ. ૧,૦૦૦ આપવા સહિતની ઘણી ‘ગેરંટી' જાહેર કરી હતી. આમ છતાં પાર્ટી કંઈ ખાસ કરી શકી નથી.

(4:45 PM IST)