<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

આગામી ૨૪ કલાકમાં અરબીસમુદ્રમાં લો-પ્રેસર સર્જાશે : ઉતર - પશ્ચિમ દિશામાં ગતિ કરશે : ૧૨-૧૩ તારીખ સુધીમાં વેલમાર્ક લો પ્રેશર બનશે

ગુજરાતમાં મોટી અસરની શક્‍યતા ઓછી : ભેજ વધતા ૧૧ થી ૧૪ સુધીમાં રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડશે ક્‍યાંક ક્‍યાંક ૦ાા થી ૧ ઇંચ તો એકલ - દોકલ વિસ્‍તારોમાં ૧ થી ૨ ઇંચ વરસાદ પડી શકે

રાજકોટ તા. ૯ : જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી ગૌરવ રાણીંગાએ આગામી લો-પ્રેસર અંગે ઉમેર્યું હતું કે, આગામી ૨૪ કલાકમાં અરબ સાગરમાં કર્ણાટક કાંઠે એક લો પ્રેશર સિસ્‍ટમ સર્જાવાની શક્‍યતા છે. આ લો પ્રેશર ૧૧ તારીખ સુધી મુખ્‍યત્‍વે આ જ વિસ્‍તારમાં રહે ત્‍યારબાદ ઉતર પશ્ચિમ દિશામાં ગતિ કરી ભારતના દરિયાકાંઠા થી દુર જવાની સંભાવના છે જે ૧૨-૧૩ તારીખ સુધીમાં વેલ માર્ક લો પ્રેશર કે અમુક સંજોગોમાં ડિપ્રેશન સિસ્‍ટમ સુધી મજબૂત થઈ શકે.

આ સિસ્‍ટમ વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્‍યતા હાલ ખુબજ ઓછી રહેલી છે. ગુજરાતમાં આ સિસ્‍ટમને લીધે કોઈ ખાસ મોટી અસર થાય તેવું નથી લાગતું પણ અગાઉની અપડેટમાં જણાવ્‍યા મુજબ ગુજરાત ઉપર પવનોમાં અસ્‍થિરતા સર્જાવાને લીધે અને ભેજનું પ્રમાણ વધતાં ૧૧-૧૨-૧૩-૧૪ ઓકટોબરે રાજયના કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં અને ક્‍યાંક ક્‍યાંક અર્ધાથી એક ઇંચ સુધી વરસાદની સંભાવના રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ લાગુ મધ્‍ય ગુજરાતના વિસ્‍તારોમાં વધુ શક્‍યતા રહેશે. આગાહીના દિવસો દરમ્‍યાન અમુક એકલ દોકલ વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ એક થી બે ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે. આગળ આ આગાહીમાં કોઈ ફેરફાર હશે તો અપડેટ આપવામાં આવશે. (વેધર બાય ગૌરવ રાણીંગા)

(3:00 PM IST)