<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સિમલામાં સંજોલીમાં 'સનાતન સબજીવાલા'નું બોર્ડ :દેવભૂમિ સંઘર્ષ સમિતિએ ખરીદી માટે અપીલ કરી

સંજૌલી વિસ્તારમાં દેવભૂમિ સંઘર્ષ સમિતિએ એક નવું અભિયાન શરૂ કર્યું

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં દેવભૂમિ સંઘર્ષ સમિતિએ એક નવું અભિયાન શરૂ કર્યું છે. અહીં દેવભૂમિ સંઘર્ષ સમિતિ દ્વારા હિન્દુ દુકાનદારોની શાકભાજીની દુકાનની બહાર બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે.

  આ બોર્ડ પર 'સનાતન સબજીવાલા' લખેલું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે સ્થાનિક લોકોએ હિંદુ દુકાનદારો પાસેથી ખરીદી કરવી જોઈએ અને બહારના લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. 

    દેવભૂમિ સંઘર્ષ સમિતિના રાજ્ય સહ-સંયોજક વિજય શર્માએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ સંજૌલી વિસ્તારમાં હિન્દુ શાકભાજી વિક્રેતાઓને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે તેઓ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે તેઓ બહારના લોકો પાસેથી ખરીદી ન કરે અને સ્થાનિક દુકાનદારોને પ્રોત્સાહન આપે જેથી તેમનો રોજગાર ચાલુ રહે. 

  વિજય શર્માએ કહ્યું, "હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં રોહિંગ્યા જેવા લોકો આવવા લાગ્યા છે. આ લોકો અહીં વેપાર કરી રહ્યા છે. આ દરમિયાન દેવભૂમિ સંઘર્ષ સમિતિએ સ્થાનિક દુકાનદારોને આગળ વધારવા માટે પહેલ કરી છે

   હિમાચલ પ્રદેશ દેવભૂમિ સંઘર્ષ સમિતિના આ અભિયાન પછી હવે સંજૌલીમાં શાકભાજી વેચતા દુકાનદારોનો ધર્મ દર્શાવવામાં આવશે. આ પહેલા હિમાચલ પ્રદેશમાં નેમ પ્લેટને લઈને શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો છે. 

   વિક્રમાદિત્ય સિંહે ઉત્તર પ્રદેશની તર્જ પર હિમાચલ પ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સના નામ દર્શાવવાની વાત કરી હતી. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર મામલાને ઉત્તર પ્રદેશ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોડલ સાથે કોઈ લેવાદેવા નથી.

   હિમાચલ પ્રદેશમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે એસેમ્બલી સ્પીકર દ્વારા ગઠિત કમિટી આ અંગે નિર્ણય લેશે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ, વેન્ડિંગ કરનાર કોઈપણ વ્યક્તિને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇસન્સ આપવામાં આવે છે. આ લાઇસન્સ પહેલાથી જ વ્યક્તિની ઓળખ સંબંધિત માહિતી ધરાવે છે. આ લાયસન્સ પહેલાથી જ દુકાનમાં લગાવવું ફરજિયાત છે.

(11:14 PM IST)