News of Thursday, 10th October 2024
રતન ટાટાના સૌથી યુવા મેનેજર શાંતનુ નાયડુ તેમના નિધન પર ભાવુક થયા, કહ્યું "ગુડબાય ડિયર લાઇટહાઉસ"
રતન ટાટા અને શાંતનુ નાયડુ વચ્ચેનો બોન્ડ 2014 માં શરૂ થયો જ્યારે શાંતનુએ રખડતા કૂતરાઓ માટે પ્રતિબિંબીત કોલર બનાવવાની પહેલ કરી

મુંબઈ : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબરે રાત્રે 86 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ ક્ષેત્રના લોકો દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ સમાચારથી ખૂબ જ દુઃખી છે.
મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે મુંબઈના વરલી સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજરી આપશે.
ટાટા ગ્રૂપના સૌથી યુવા જનરલ મેનેજર શાંતનુ નાયડુએ પણ રતન ટાટાને તેમના નિધન પર ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "આ મિત્રતા હવે મારી અંદર જે શૂન્યાવકાશ છોડી ગઈ છે તેને ભરવા માટે હું મારું બાકીનું જીવન વિતાવીશ. ગુડબાય ડિયર લાઇટહાઉસ."
રતન ટાટા અને શાંતનુ નાયડુ વચ્ચેનો બોન્ડ 2014 માં શરૂ થયો જ્યારે શાંતનુએ રખડતા કૂતરાઓ માટે પ્રતિબિંબીત કોલર બનાવવાની પહેલ કરી. આ પહેલથી પ્રભાવિત થઈને, રતન ટાટાએ તેમને તેમના માટે કામ કરવા આમંત્રણ આપ્યું, અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી તેમના સંબંધો ગાઢ બન્યા.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
