<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ગુડ બાય માય લાઇટ હાઉસ

રતન ટાટાના વિશ્વાસુ સહાયક શાંતનું નાયડુએ શેર કરી પોસ્‍ટ

મુંબઇઃ રતન ટાટાના વિશ્વાસુ સહાયક શાંતનું નાયડુએ આજે વહેલી સવારે શેર કરેલ એક પોસ્‍ટમાં નેશનલ આઇકોનના અવસાન પર શોક વ્‍યકત કર્યો હતો. ભારતના સૌથી મોટા ગૃપોમાંના એક ટાટા સન્‍સના ચેરમેન રતન ટાટાનું ટુંકી માંદગી બાદ બુધવારે મોડી રાત્રે અવસાન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા.

પોતાની લીન્‍કેડ ઇન પોસ્‍ટમાં રતન ટાટાના નજીકના સાથી શાંતનુ નાયડુએ તેમની વ્‍યવસાયીક સિધ્‍ધી પર નહી પરંતુ તેમની ગાઢ મિત્રતા પર ધ્‍યાન દોર્યુ હતું.

રતન ટાટાની ઓફીસના આ ૩૦ વર્ષીય  જનરલ મેનેજરે લખ્‍યું. આ મિત્રતાએ મારી સાથે જે અવકાશ ઉભો કર્યો છે. તેને પુરવામાં હું મારૂ બાકીનું જીવન વ્‍યતિત કરીશ. દુઃખ એ પ્રેમ માટે ચુકવવી પડતી કિંમત છે. ગુડ બાય, માય ડીયર લાઇટ હાઉસ. તેમણે એક થ્રો બેક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેઓ બન્ને સાથે જોવા મળે છે.

રતન ટાટા સાથે શાંતનું નાયડુની અસંભવિત મિત્રતા પ્રાણીઓ પ્રત્‍યેના તેમના સહિયારા પ્રેમના કારણે ખીલી હતી. બન્ને ર૦૧૪ માં મળ્‍યા હતા. જયારે શાંતનુએ રખડતા કુતરાઓને રાત્રે કાર સાથે અથડાવાથી બચાવવા માટે રીફલેકટર કોલર વિકસાવ્‍યા હતા. તેની આ પહેલથી પ્રભાવીત થઇને રતન ટાટાએ નાયડુને તેમના માટે કામ કરવા આમંત્રણ આપ્‍યું હતું.છેલ્લા ૧૦ વર્ષોમાં શાંતનું નાયડુ રતન ટાટાના નજીકના અને વિશ્વાસુ મિત્ર બની ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષો દરમ્‍યાન રતન ટાટા અનેકવાર નાયડુની સાથે જાહેર સભારંભોમાં જોવા મળ્‍યા હતા.

(2:38 PM IST)