તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
એક પંખો, બે બલ્બ અને ટીવી... ૧.૯ લાખનું વીજળીનું બિલ મોકલ્યું : ઉન્નાવના યુવકે ગળેફાંસો ખાઈ લીધો
યુપીના ઉન્નાવમાં સતત વધી રહેલા વીજળી બિલથી પરેશાન એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી

ઉન્નાવ, તા.૧૦: યુપીના ઉન્નાવમાં સતત વધી રહેલા વીજળી બિલથી પરેશાન એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પહેલા તેના નાનકડા ઘરનું વીજળીનું બિલ એક લાખ રૂપિયા આવ્યું, પછીના મહિનામાં પણ આઠ હજાર રૂપિયાનું બિલ આવ્યું. જેના કારણે યુવક માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો અને તેણે જીવનનો અંત આણ્યો હતો. પરિવારજનોએ વિજળી વિભાગના અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે.
તેમણે કહ્યું કે, પુત્રએ વીજળીના બિલમાં વધારો થવાથી આત્મહત્યા કરી છે. ફરિયાદ કરવા છતાં કોઈ સુનાવણી થઈ નથી. તે જ સમયે, અધિકારીઓએ આત્મહત્યા પાછળ પારિવારિક કારણો દર્શાવ્યા છે. હાલમાં રાજ્યના ઉર્જા મંત્રી એકે શર્માએ આ મામલાની નોંધ લીધી છે.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ઉન્નાવના અચલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુશલપુર વસૈના ગામમાં બની હતી. જ્યાં શુભમ રાજપૂત પોતાના પરિવારનું ભરણપોષણ કરવા મહેનત કરતો હતો. શુભમના પિતા મહાદેવનો આરોપ છે કે વિભાગની બેદરકારીને કારણે ગયા મહિને તેમના ઘરનું વીજળીનું બિલ એક લાખથી વધુનું આવ્યું હતું. આ મહિને પણ વીજળીનું બિલ રૂ.૮ હજાર આવ્યું હતું. આ કારણે તેના પુત્રને ચિંતા થવા લાગી કે તે આટલું બિલ કેવી રીતે ચૂકવશે. આ તણાવના કારણે તેણે ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
શુભમે ૨૦૨૨માં ૬૦૦ રૂપિયા જમા કરાવીને વીજળીનું કનેક્શન લીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મળતકના ઘરમાં બે બલ્બ, એક પંખો અને એક ટીવી સિવાય અન્ય કોઈ ઈલેક્ટ્રીકલ ઉપકરણ નથી. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, વીજળી વિભાગ દ્વારા શુભમને ૧ લાખ ૯ હજાર ૨૨૧ રૂપિયાનું વીજળીનું બિલ મોકલવામાં આવ્યું હતું. ઘણી દોડધામ, ફરિયાદ બાદ બિલ ઘટીને ૧૬,૩૭૭ રૂપિયા થઈ ગયું. જે શુભમે ૧૪મી સપ્ટેમ્બરે કયાંક જમા કરાવી હતી. પરંતુ ૭ ઓક્ટોબરે વીજળી વિભાગે ફરીથી બિલ વધારીને ૮,૨૨૩ રૂપિયા કરી દીધું, જેના કારણે શુભમ માનસિક રીતે પરેશાન થઈ ગયો અને તેણે ગળેફાંસો ખાઈ લીધો.
ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. વીજળી વિભાગના વધેલા બિલની તપાસમાં સામે આવ્યું છે કે ૮,૨૨૩ રૂપિયાનું સુધારેલું બિલ માત્ર ૧૫૦ રૂપિયા જ નીકળ્યું છે. વીજ વિભાગના અધિકારીઓ ઓનલાઈન બિલમાં કેટલીક ટેકનિકલ ક્ષતિના કારણે ઉંચા બિલનો ખુલાસો આપી રહ્યા છે, તો વીજ વિભાગના અધિકારીઓ પણ પિતાએ કરેલા આક્ષેપોને ખોટા ગણાવી રહ્યા છે.
આ સમગ્ર મામલે મધ્યાંચલ વિદ્યુત વિભાગના ચીફ એન્જિનિયર રામપ્રીત પ્રસાદનું કહેવું છે કે, વીજળીના ઊંચા બિલના કારણે અચલગંજના રહેવાસી શુભમની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. અગાઉનું રૂ. ૧ લાખનું બિલ સુધારીને રૂ. ૧૬ હજાર કરવામાં આવ્યું હતું. તે બિલ પણ જમા કરાવવામાં આવ્યું હતું અને બાકી નીકળતી રકમ ક્લિયર થઈ હતી. ઓક્ટોબરમાં મીટર રીડિંગમાં દર્શાવવામાં આવેલ બિલમાં પણ સુધારો કરીને પરિવારને જાણ કરવામાં આવી હતી. દરેક પાવર હાઉસમાં એવી જોગવાઈ છે કે બિલમાં સુધારો કરવામાં આવશે. ઊંચા બિલના કારણે નહીં પરંતુ કૌટુંબિક કારણોસર યુવકે આ પગલું ભર્યું હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું હતું
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
