<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

દશેરાના પર્વ નિમિતે ખાઓ પંજા ગાંઠીયા ! વજનથી નહીં, નંગના હિસાબે મળે છે

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં અનોખી રીતે તૈયાર થતા પંજા ગાંઠીયા સ્‍વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે : ખાસ માણાવદરમાં પાછલા ૩૦ વર્ષથી બનતા પંજા ગાંઠીયા એક નંગના રૂ.૨૦ ના ભાવે વેચાઈ રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૨: દશેરાના તહેવારે ફાફડા જલેબી આરોગવાની એક વિશેષ પરંપરા સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. ત્‍યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં અનોખી રીતે તૈયાર થતા પંજા ગાંઠીયા સ્‍વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે. આ ગાંઠીયા વજનથી નહીં પરંતુ નંગથી વેચાઈ રહ્યા છે. જેને ખરીદવા માટે સમગ્ર વર્ષ દરમિયાન લોકોની વિશેષ ભીડ જોવા મળે છે. પંજા ગાઠીયા માણાવદરથી લઈને છેક હોંગકોંગ સુધી પણ પ્રસિદ્ધ થઈ ચૂકયા છે.

માણાવદરમાં પ્રખ્‍યાત અનોખા પંજા ગાંઠીયાઃ દશેરાના તહેવારે ફાફડા અને જલેબી આરોગવાનું એક વિશેષ ચલણ જોવા મળતું હોય છે. સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં અનોખી રીતે બનતા પંજા ગાંઠીયા સ્‍વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે. ફાફડાને મળતા આવતા પંજા ગાંઠિયાનો આકાર હાથના પંજા જેવો હોવાને કારણે તેને પંજા ગાંઠિયાનું ઉપનામ મળ્‍યું છે. જે માત્ર જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જ જોવા અને ચાખવા મળે છે.

પંજા ગાંઠીયા નંગના હિસાબે વેચાય છેઃ સામાન્‍ય રીતે દરેક જગ્‍યા પર ગાંઠીયા વજનથી વેચાતા જોવા મળે છે, પરંતુ માણાવદરમાં બનતા પંજા ગાંઠીયા નંગના ભાવે વેચાય છે. માણાવદરના કેટલાક ઉદ્યોગકારો હોંગકોંગમાં અન્‍ય વ્‍યવસાય સાથે સંકળાયેલા છે જેથી કરીને આ ઉદ્યોગકારો તેમના વતન માણાવદર આવે ત્‍યારે ખાસ પંજા ગાંઠીયા હોગકોગ સુધી પણ પહોંચાડે છે. પંજા ગાંઠીયા બનાવવા માટે સામાન્‍ય રીતે ચણાનો લોટ, નમક, ખાવાના સોડા, અજમા, હિંગ, કાળા મરી અને જીરું જેવા શુકા મસાલાથી ગાંઠિયાને વધારે સ્‍વાદિષ્ટ બનાવવામાં આવે છે. કાચા પપૈયાનો અને શિયાળા દરમિયાન ગાજર અને કોબીની સાથે ચીભડાનો સંભારો પર પંજા ગાંઠિયાના સ્‍વાદમાં અનેક ગણો વધારો કરે છે.

એક ગાંઠિયાની કિંમત ૨૦ રૂપિયાઃ ખાસ માણાવદરમાં પાછલા ૩૦ વર્ષથી બનતા પંજા ગાંઠીયા એક નંગના રૂ. ૨૦ ના ભાવે વેચાઈ રહ્યા છે. દિવસ દરમિયાન ૨૦૦ નંગ ગાંઠિયા લોકો સવારે નાસ્‍તા તરીકે ઝાપટી જાય છે, તો ૫૦ નંગ કરતા વધારે પંજા ગાંઠીયા પાર્સલ રૂપે પણ લોકો તેના ઘરે લઈ જાય છે. આમ દિવસ દરમિયાન ૨૫૦ થી ૩૦૦ નંગ પંજા ગાંઠિયાનો સરેરાશ વેપાર સવારના ત્રણ કલાક દરમિયાન થાય છે. માણાવદર અને આસપાસના ગામડાના લોકો પણ પંજા ગાંઠિયાનો સ્‍વાદ માણવા માટે વહેલી સવારે ખાસ માણાવદર આવે છે.

(10:34 AM IST)