News of Monday, 14th October 2024
ટ્રેનમાં ટિકિટ નહીં: વિમાનના ભાડા અઢી ગણા સુધી વધ્યા
દિવાળી ટાણે જ કમઠાણ : સરકારની તમામ વ્યવસ્થાઓ વ્યર્થ, રૂટીન અને સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના જનરલ કોચ જોડવા માંગ

અમદાવાદ,તા. ૧૪: દિવાળી અને છઠ પુજા ઉપર લોકો માટે વતનમાં સહપરિવાર જવું સરળ નથી લાગી રહ્યું ! એકબાજુ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત થતાની સાથે જ સટાસટ બુકિંગ ચાલુ થઇ ગયું છે ત્યારે આ સમયગાળામાં વિવિધ એરલાઇન્સોએ બે થી અઢી ગણા ભાડા વધારી દીધા છે.
અમદાવાદથી પટના જવા માટે સામાન્ય દિવસોમાં જે સાતેક હજાર રૂપિયા ભાડુ થાય છે તે તા.૧૩ ઓક્ટોબરની સ્થિતિએ ફલાઇટની ટિકિટ બુક કરાવો તો તા. ૩૦ ઓક્ટોબરનું ભાડું ૧૮,૮૨૭ જેટલું બોલાઈ રહ્યું છે ! શ્રીનગરનું સામાન્ય દિવસોનું ભાડુ પાંચેક હજાર છે જે તા. ૨ નવેમ્બરનું ભાડું ૧૪,૩૦૬ રૂપિયા સુધીનું ઊંચકાઈ ગયું છે. આવી જ રીતે તા. ૫ નવેમ્બર સુધીની સ્થિતિએ કાનપુર, જયપુર અને દિલ્હીના વિમાની ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
દિવાળી અને છઠની પુજા માટે અમદાવાદમાંથી લાખોની સંખ્યામાં લોકો વિમાન માર્ગે પટના સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં જઇ રહ્યા છે. અગાઉથી બુકિંગ કરાવવાની સ્થિતિમાં જો આટલું ભાડુ વધારે જોવા મળી રહ્યું છે. તો છેલ્લી ઘડીએ દિવાળીના તહેવારોના દિવસે તો વિવિધ ફલાઇટોના ભાડા ટિકિટ દીઠ ૨૫ થી ૩૦ હજાર રૂપિયા સુધી ઉંચા જવાની પણ શક્યતાઓ જોવાઇ રહી છે. દિવાળીના તહેવારોમાં સરકારની તમામ તૈયારીઓ છતાંય ટ્રેનોમાં ટિકિટો મળતી નથી તે વાસ્તવિકતા છે. આ સ્થિતિમાં રૂટીન અને સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના જનરલ કોચ જોડવા જોઇએ તેવી માંગણી છે. કે જેથી કરીને સામાન્ય વર્ગના લોકો ઓછા ભાડામાં પણ વતન સુધી પહોંચી શકે.ટ્રેનોની વાત કરીએ તો બનારસ સુપરફાસ્ટમાં તા. ૪ નવેમ્બરનું સ્લીપર ક્લાસનું ૧૧૦ વેઇટિંગ લિસ્ટ બોલાઇ રહ્યું છે. અમદાવાદથી પુરીમાં ૩૦ ઓક્ટોબરનું પણ ૧૧૦ વેઇટિંગ લિસ્ટ છે. અમદાવાદથી ગુવાહાટીમાં તા. ૨૫ ઓક્ટોબરમાં તમામ ક્લાસમાં નો-રૂમની સ્થિતિ છે. તા.૧ નવેમ્બર, ૮ નવેમ્બરમાં ટુ એસીમાં નો રૂમની સ્થિતિ છે. અમદાવાદથી ગોરખપુરમાં તા.૨ નવેમ્બરમાં સ્લીપર ક્લાસમાં ૧૮૭ વેઇટિંગ બોલાઇ રહ્યું છે.રેલવેના અમદાવાદ વિભાગમાંથી ૧૬ સ્થળો માટે તા. ૧ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી દિવાળી, દુર્ગા પુજા અને છઠ પુજા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ રહી છે. અમદાવાદથી પટના, દરભંગા, દાનાપુર, બરૌની, કાનપુર સેન્ટ્રલ, આગ્રા કેન્ટ, તિરૂચિરાપલ્લી, ગાંધીધામથી ભાગલપુર અને બાન્દ્રા ટર્મિનસ માટે, સાબરમતીથી પટના, સીતામઢી, હરિદ્વાર માટે ટ્રેનો દોડાવાશે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
