<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

મુંબઈમાં તમામ ટોલ ફ્રી થઈ ગયા: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા સીએમ શિંદેનો મોટો નિર્ણય: રાતથી અમલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુંબઈ ટોલ ટેક્સ ફ્રી:કેબિનેટની બેઠકમાં મોટી જાહેરાત કરતા શિંદેએ કહ્યું કે મુંબઈમાં પ્રવેશતા તમામ 5 ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી કોઈ ટોલ વસૂલાશે નહીં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં મોટી જાહેરાત કરતા શિંદેએ કહ્યું કે મુંબઈમાં પ્રવેશતા તમામ 5 ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં. સીએમએ કહ્યું કે આ નિર્ણય આજે રાતથી એટલે કે 14મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે

  શિંદે સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હવે મુંબઈ આવતા કોઈપણ હળવા વાહન પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. આજ રાતથી જ વાશી, મુલુંડ, ઐરોલી, દહિસર અને આનંદનગર ટોલ પર કોઈપણ હળવા વાહને ટેક્સ ચૂકવવો પડશે નહીં.

    ઘણા વાહનો હળવા વાહનોની શ્રેણીમાં આવે છે. જેમાં કાર, ટેક્સી, જીપ, નાની ટ્રક, વાન અને ડિલિવરી વાન વગેરેનો સમાવેશ થાય છે. આજ રાતથી જ આ વાહનો પર કોઈ ટેક્સ નહીં લાગે.

   મહારાષ્ટ્રના મંત્રી દાદાજી દગાડુ ભુસેએ જણાવ્યું કે મુંબઈમાં પ્રવેશ સમયે દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, ઐરોલી અને મુલુંડ સહિત 5 ટોલ પ્લાઝા હતા. આ ટોલ પર રૂ. 45 અને રૂ. 75 વસૂલવામાં આવતા હતા, આ 2026 સુધી લાગુ હતું.

    મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે લગભગ 3.5 લાખ વાહનો આવતા-જતા હતા. તેમાંથી લગભગ 70 હજાર ભારે વાહનો અને 2.80 લાખ હળવા વાહનો હતા. સરકારે આજે મધરાત 12 પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે લોકો કતારોમાં ઉભા રહીને જે સમય વેડફતા હતા તે બચી જશે. સરકાર ઘણા મહિનાઓથી આ અંગે ચર્ચા કરી રહી હતી અને આજે આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:51 AM IST)