News of Monday, 14th October 2024
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જાહેર કર્યુ દિવાળી બોનસ
૩૦ દિવસના મહેનતાણા સમાન બોનસ આપવામાં આવશે : પાત્ર કર્મચારીઓમાં ગ્રુપ ‘C'અને ગ્રુપ ‘B'નોન-ગેઝેટેડ કર્મચારીઓનો સમાવેશ

નવી દિલ્હી, તા.૧૪: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓના ૩૦ દિવસના મહેનતાણા સમાન બોનસ આપવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે પાત્ર કર્મચારીઓમાં ગ્રુપ ‘C'અને ગ્રુપ ‘B'નોન-ગેઝેટેડ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ કોઈપણ ઉત્પાદકતા-લિંક્ડ બોનસ યોજનાનો ભાગ નથી. બોનસની ગણતરી માટે મહત્તમ માસિક પગાર રુપિયા ૭,૦૦૦ નક્કી કરવામાં આવ્યો છે.
આ બોનસ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશષા દળોના કર્મચારીઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓને કેન્દ્ર સરકારના પગાર માળખાને અનુસરીને પણ લાગુ થશે. બોનસ માટે કર્મચારીઓએ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં સેવામાં હોવા જોઈએ અને વર્ષ દરમિયાન ઓછામાં ઓછા છ મહિના સતત સેવા પૂરી કરી હોવી જોઈએ. જે કર્મચારીઓએ આખા વર્ષ દરમ્યાન ઓછા સમય માટે સેવા આપી છે તેઓને કામ કરેલા મહિનાઓની સંખ્યાના આધારે પ્રમાણસર બોનસ પ્રાપ્ત થશે.
બોનસની રકમની ગણતરી સરેરાશ વેતનને ૩૦.૪ વડે વિભાજીત કરીને, પછી તેને ૩૦ દિવસ વડે ગુણાકાર કરીને કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો માસિક પગાર રુપિયા ૭,૦૦૦ છે. તો તેમનું બોનસ આશરે રુપિયા ૬,૯૦૮ હશે. સતત ત્રણ વર્ષ સુધી વર્ષમાં ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામ કરતા છુટક કર્મચારી પણ આ બોનસ માટે પાત્ર બનશે.જેની ગણતરી દર મહિને રુપિયા ૧,૨૦૦ના આધારે કરવામાં આવશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
