<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ મુલાકાત

દિલ્હી સરકાર અને LG વચ્ચે મુખ્યમંત્રી આવાસની ફાળવણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે મુલાકાતથી ભારે ચર્ચા

નવી દિલ્હી તા.૧૪ : દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે  રાષ્ટ્રીય રાજધાનીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ વડાપ્રધાન સાથે તેમની આ પ્રથમ મુલાકાત છે. બેઠકનો એજન્ડા હજુ સ્પષ્ટ થયો નથી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી સરકાર અને LG વચ્ચે મુખ્યમંત્રી આવાસની ફાળવણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

 દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પીએમઓએ એક્સ પર તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. સીએમ બન્યા બાદ પીએમ મોદી સાથે આતિશીની આ પહેલી મુલાકાત છે.  

આતિશીએ 21 સપ્ટેમ્બરે સીએમ પદનો ચાર્જ સંભાળ્યો હતો.આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશીએ 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આતિશી દિલ્હીના અત્યાર સુધીના આઠમા અને સૌથી યુવા મુખ્યમંત્રી છે. શપથ લીધા બાદ આતિશી તેના શ્રેષ્ઠ મૂડમાં જોવા મળી હતી. સીએમ આવાસ પર પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જનતાને આશ્વાસન આપ્યું હતું કે હવે તેઓ દિલ્હીના લોકોના કામને રોકવા નહીં દે.

(3:55 PM IST)