<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓના દબાણ હેઠળ પોલીસે અહમદિયા મુસ્લિમોના બે 70 વર્ષ જૂના પૂજાસ્થળોને તોડી પાડ્યા

પાકિસ્તાનમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ કથિત રીતે અહમદિયા સમુદાયના લોકો વિરુદ્ધ તેમની નફરતની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી રહ્યા છે

ઈસ્લામાબાદ : જમાત-એ-અહમદિયા પાકિસ્તાન (જેએપી) એ સોમવારે કહ્યું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસે કથિત રીતે ધાર્મિક કટ્ટરપંથીઓના દબાણ હેઠળ અહમદિયા સમુદાયના બે 70 વર્ષ જૂના પૂજા સ્થાનોના મિનારા તોડી પાડ્યા છે. ખાનેવાલ અને ગુજરાનવાલામાં તોડી પાડવાનું આ કૃત્ય થયું હતું. "ખાનેવાલ અને ગુજરાનવાલામાં, પોલીસે ધાર્મિક ઉગ્રવાદીઓના દબાણ હેઠળ, અહમદીયા ધર્મસ્થાનોના મિનારા તોડી નાખ્યા અને પવિત્ર શિલાલેખોને સિમેન્ટથી ઢાંકી દીધા," તેમ વરિષ્ઠ JAP અધિકારી આમિર મેહમૂદે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે બંને પૂજા સ્થાનો 1950ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવ્યા હતા. મહેમૂદે કહ્યું કે લાહોર હાઈકોર્ટના જસ્ટિસ તારિક સલીમ શેખે 31 ઓગસ્ટ, 2023ના રોજ આપેલા તેમના નિર્ણયમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે 1984 પહેલા બનેલા અહમદિયા સમુદાયના પૂજા સ્થાનોને નુકસાન પહોંચાડવું ગેરકાયદેસર છે. કોર્ટે સ્પષ્ટપણે ચુકાદો આપ્યો હતો કે 1984માં ઘડવામાં આવેલ કાયદો આવા ધર્મસ્થાનોને લાગુ પડતો નથી અને તોડફોડ અથવા નુકસાનનું કોઈપણ કાર્ય ગેરકાયદેસર ગણાશે. કોર્ટના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન હોવાનો દાવો કરતા મેહમૂદે કહ્યું, “અમે પોલીસને લાહોર હાઈકોર્ટનો આદેશ બતાવ્યો, પરંતુ તેની અવગણના કરવામાં આવી."

"પોલીસે દાવો કર્યો હતો કે તેઓ ધાર્મિક તત્વોના ભારે દબાણ હેઠળ હતા.” JAP એ પોલીસ કાર્યવાહીની નિંદા કરી, તેને ગેરકાયદેસર અને અધિકારોનો દુરુપયોગ ગણાવ્યો. તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાનમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ કથિત રીતે અહમદિયા સમુદાયના લોકો વિરુદ્ધ તેમની નફરતની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી રહ્યા છે, જેના કારણે કાર્યસ્થળો પર તેમનું ઉત્પીડન વધી રહ્યું છે, તેમની નોકરીમાંથી બરતરફી અને અહમદિયા દુકાનદારોનો બહિષ્કાર કરવા જાહેર કોલ પણ કરવામાં આવી રહ્યા છે.

 

(5:18 PM IST)