<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

ભારતે કેનેડિયન પીએમના દાવાને ફગાવ્યો : કહ્યું -કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નથી

નિજ્જર કેસમાં કેનેડાએ ભારત સાથે પુરાવા શેર કર્યા હતા તે બિલકુલ સાચું નથી. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારત પર અસ્પષ્ટ આક્ષેપો કરવાનો છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો બાદ હવે કેનેડાની પોલીસે પણ નફ્ફટાઈ પર ઉતરી આવી છે. ટ્રુડો સરકાર, જે અત્યાર સુધી કેનેડામાં કોઈપણ હત્યામાં ભારતીય સરકારી અધિકારીની સંડોવણીના પુરાવા આપવામાં નિષ્ફળ રહી હતી, તે ફરીથી પુરાવા વિના મીડિયા સમક્ષ હાજર થઈ. જો કે, હવે ભારતે મંગળવારે કેનેડામાં ભારતીય એજન્ટોને ગુનાહિત ગેંગ સાથે જોડવાના કેનેડાના પ્રયાસોને ફગાવી દીધા છે.

 સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે નિજ્જર કેસમાં કેનેડાએ ભારત સાથે પુરાવા શેર કર્યા હતા તે બિલકુલ સાચું નથી. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારત પર અસ્પષ્ટ આક્ષેપો કરવાનો છે.

સૂત્રોએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના તે આરોપોને પણ નકારી કાઢ્યા છે, જેમાં તેમણે ભારત તેમના દેશમાં કેનેડિયન નાગરિકોને નિશાન બનાવવા સહિતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાના ખોટા આરોપો લગાવ્યા હતા.

નિજ્જર કેસમાં ભારત પર કેનેડાના આરોપો પર, સૂત્રોએ જણાવ્યું હતું કે, કેનેડાનો અભિગમ અસ્પષ્ટ આક્ષેપો કરવાનો છે અને ભારત પર ઇનકારનો બોજ નાખવાનો છે. એટલું જ નહીં, કેનેડાના અધિકારીઓનો તે દાવો પણ સાચા નથી કે કેનેડાએ નિજ્જર કેસમાં ભારતને વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા છે.

સૂત્રએ કહ્યું, કેનેડિયન પીએમ ટ્રુડોએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કશું નવું કહ્યું નહીં. તે એ જ જૂની વાતોનું પુનરાવર્તન કર્યું હતું. તેમના તમામ અધિકારીઓનો મુખ્ય દાવો એ છે કે ભારતને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તેમના રાજદ્વારી દ્વારા પણ એ જ પુનરાવર્તન કરાયું હતું. જ્યારે આ બિલકુલ સાચું નથી. શરૂઆતથી જ કેનેડાનો ઉદ્દેશ્ય અસ્પષ્ટ આક્ષેપો કરવાનો અને ઈન્કારનો બોજ ભારત પર નાખવાનો રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'વડાપ્રધાન ટ્રુડોની પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક લોકોના ભારત સાથે જોડાણ અંગેના દાવા કરવામાં આવ્યા હતા. કોઈપણ કિસ્સામાં કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. લોકોને જવાબદાર ઠેરવવાની વાત પણ થઈ હતી. પરંતુ કોણ અને કોના માટે તે ક્યારેય સ્પષ્ટ થયું ન હતું. તે વાહિયાત છે કે ગયા વર્ષે હાઈ કમિશનર સાથે ઉગ્રતાથી વ્યવહાર કર્યા પછી, કેનેડા સરકાર હવે તેમને નિશાન બનાવવાનું નક્કી કરી રહી છે.

કેનેડિયન પોલીસના આરોપ પર કે ભારતીય એજન્ટો દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવવા માટે કેનેડામાં ગુનેગારોનો ઉપયોગ કરી રહ્યા છે, સૂત્રએ કહ્યું કે આ વિષય પર કોઈ માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે સતત વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ સોમવારે ફરી એકવાર વાંધાજનક નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે ભારત કેનેડામાં 'મૂળભૂત ભૂલ' કરી રહ્યું છે. જ્યારે તેઓ આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે કેનેડાના જાહેર સુરક્ષા અને આંતરસરકારી બાબતોના પ્રધાન ડોમિનિક લેબ્લાંક અને વિદેશ બાબતોના પ્રધાન મેલાની જોલી પણ હાજર હતા. તેમનું નિવેદન ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા બાદ આવ્યું છે. ઓટાવામાં ટ્રુડોએ કહ્યું હતું કે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે આગામી બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કહ્યું હતું કે ગયા સપ્તાહના અંતમાં વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીત દરમિયાન તેમણે તેનું મહત્વ પણ રેખાંકિત કર્યું હતું.

ટ્રુડોએ કહ્યું હતું કે, ભારતે એ વિચારવામાં મૂળભૂત ભૂલ કરી છે કે તેઓ કેનેડાની ધરતી પર કેનેડિયનો વિરુદ્ધ હત્યા અથવા ખંડણી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. આ સ્વીકારી શકાય નહીં. કેનેડાના વડાપ્રધાને દાવો કર્યો હતો કે તણાવ છતાં તેમનો દેશ ભારત સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતને એક મહત્વપૂર્ણ લોકશાહી ગણાવતા ટ્રુડોએ કહ્યું હતું કે જો બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહેશે તો તે સારી સ્થિતિ બની શકે નહીં. તેમણે કહ્યું હતું કે ભારત અને કેનેડિયનો વચ્ચે ઐતિહાસિક રીતે ઊંડા વેપાર સંબંધો છે. આવી સ્થિતિમાં જો ભૌગોલિક રાજનીતિની આસપાસ અસ્થિરતા રહેશે તો લોકશાહી દેશોએ સાથે રહેવું પડશે. આ જ કારણ હતું કે જ્યારે કેનેડિયન ગુપ્તચર એજન્સીઓને શંકા હતી કે નિજ્જરની હત્યા ભારત સાથે જોડાયેલી છે, ત્યારે અમે સીધો ભારત સરકારનો સંપર્ક કર્યો અને વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવા માટે પહેલ કરી. તેમણે દાવો કર્યો હતો કે તે આ લડાઈમાં સામેલ થવા માંગતા નથી, પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને અવગણી શકાય નહીં.

(11:33 PM IST)